ઉત્તર પ્રદેશમાં પતંગની ડોરી એટલે કે ચાઇનીઝ માંઝાને કારણે થતા અકસ્માતો અને મોતના કિસ્સાઓને રોકવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં ચાઈનીઝ માંઝાના વેચાણ અને ઉપયોગ પર હવે માત્ર પ્રતિબંધ જ નહીં, પરંતુ જો આ માંઝાના કારણે કોઈનું મૃત્યુ થશે, તો તેને 'હત્યા' (IPC/BNS હેઠળ હત્યાની કલમ) ગણવામાં આવશે અને તે મુજબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રીની પોલીસ અધિકારીઓને લાલ આંખ
તાજેતરમાં લખનૌમાં એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનું ચાઈનીઝ માંઝાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી મુખ્યમંત્રી અત્યંત નારાજ થયા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સીધો સવાલ કર્યો હતો કે, "જ્યારે રાજ્યમાં પ્રતિબંધ છે, તો બજારમાં આ માંઝા કેવી રીતે પહોંચી રહ્યા છે?" યોગી આદિત્યનાથે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે કોઈપણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
