યોગી આદિત્યનાથે આવનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની સરકારનું બહુચર્ચિત મંત્રીમંડળ વિસ્તરણ કરીને મહત્વપૂર્ણ રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. રવિવારે લખનૌના જનભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં કુલ 6 નેતાઓએ મંત્રીપદની શપથ લીધી, જ્યારે 2 નેતાઓને પ્રમોશન આપીને નવી જવાબદારી સોંપવામાં આવી. આ વિસ્તરણમાં સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

https://twitter.com/ANI/status/2053417976616145039


હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતને રાજ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું

શપથ લેનારા નેતાઓમાં ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે, અજીત પાલ, સોમેન્દ્ર તોમર, કૃષ્ણા પાસવાન, સુરેન્દ્ર દિલેર, હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતનો સમાવેશ થાય છે. તેમાં હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતને રાજ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય નેતાઓને કેબિનેટ અને સ્વતંત્ર પ્રભારની જવાબદારીઓ સોંપાઈ છે.

અનેક વરિષ્ઠ નેતાઓ રહ્યા હાજર

જનભવન ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે તમામ નેતાઓને પદ અને ગુપ્તતાની શપથ અપાવી. કાર્યક્રમ દરમિયાન ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. શપથવિધિ દરમિયાન સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી.

વિવિધ પ્રાદેશિક સમુદાયોને આકર્ષવાનો પ્રયાસ કર્યો

રાજકીય વિશ્લેષકોના મતે યોગી સરકારનું આ મંત્રીમંડળ વિસ્તરણ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. ભાજપે આ પગલાં દ્વારા પછાત વર્ગ, દલિત સમાજ અને વિવિધ પ્રાદેશિક સમુદાયોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ અને પૂર્વાંચલના નેતાઓને પ્રતિનિધિત્વ આપીને વ્યાપક સામાજિક સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં સરકાર વિકાસકાર્યોની ગતિ વધારવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવશે. છેલ્લા ઘણા દિવસોથી મંત્રીમંડળ વિસ્તરણ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી હતી અને અનેક નામો પર વિચારણા કરવામાં આવી રહી હતી. અંતે પાર્ટી નેતૃત્વે જાતીય અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને તક આપી છે. ભાજપ માટે આ વિસ્તરણ આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાની મોટી રાજકીય તૈયારીનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Vijay Thalapathy ના શપથ સમારોહમાં 2 વાર ગવાયું વંદે માતરમ, સોશિયલ મીડિયા પર પ્રશંસાની લહેર