ઉત્તર પ્રદેશમાં ભારે ચોમાસાના વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ૧૩ જિલ્લાઓ પૂરની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે 173 ગામો જળમગ્ન થયા છે અને આશરે 84,362 લોકો પ્રભાવિત થયા છે. આ પૂરની સ્થિતિમાં 13,058 હેક્ટર જમીનને પણ મોટું નુકસાન થયું છે.

અનેક જિલ્લાઓ પૂરથી પ્રભાવિત

પ્રભાવિત જિલ્લાઓમાં બદાયૂં, બહરાઇચ, બલિયા, બારાબંકી, બિજનોર, ફરુખાબાદ, ગૌતમ બુદ્ધ નગર, ગોંડા, કાસગંજ, લખીમપુર ખેરી, મુઝફ્ફરનગર, સીતાપુર અને ઉન્નાવનો સમાવેશ થાય છે. રાજ્યના રાહત કમિશનરે સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 4800 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં 1589 પૂર ચોકીઓ અને 1263 આશ્રયસ્થાનો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે.

રાહત પહોંચાડવા વહીવટી તંત્ર સજ્જ

લોકોને રાહત પહોંચાડવા માટે વહીવટીતંત્ર દ્વારા 428 બોટ અને મોટર બોટની સાથે 1,101 સ્થાનિક ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાહત સામગ્રી તરીકે 15,238 ફૂડ પેકેટ અને 30,316 લંચ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

ટીમ અનેક જિલ્લાઓમાં રખાઇ સ્ટેન્ડબાય

કોઈપણ પ્રકારની કટોકટીનો પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 16 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે, જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને પીએસી (PAC) ની ટીમોને ૫૨ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ફરિયાદોનું તાત્કાલિક લવાઇ રહ્યુ છે નિરાકરણ

નાગરિકોને સતત સાવચેત રાખવા માટે 1 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન 140.52 કરોડથી વધુ SMS ચેતવણીઓ મોકલવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપત્તિ નિવારણની માહિતી સતત શેર કરવામાં આવી રહી છે. પૂર સંકટ પર નજર રાખવા માટે રાહત કમિશનર કચેરીનો કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે અને હેલ્પલાઇન નંબર 1070 પર મળતી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ UGC-NET વિવાદ બાદ NTAમાં મોટો ફેરફાર, એજન્સીએ 600 એક્સપર્ટસને હટાવ્યા