ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ચિત્રકૂટમાં મંદાકિની નદીએ છેલ્લા 23 વર્ષનો પૂરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે કાશી (વારાણસી)માં પણ ગંગા નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેનાથી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.

મંદાકિની નદીનું જળસ્તર વધીને 135.2 એ પહોંચ્યું

ચિત્રકૂટ જિલ્લામાં મંદાકિની નદીનું જળસ્તર વધીને 135.2 મીટરની સપાટીએ પહોંચી ગયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ગર્ગના જણાવ્યા અનુસાર, અગાઉ વર્ષ 2003માં અહીં સૌથી વધુ 134.5 મીટર જળસ્તર નોંધાયું હતું, પરંતુ તાજેતરના પૂરે આ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ કુદરતી આફતને કારણે આશરે 16 ગામો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. વહીવટીતંત્ર દ્વારા NDRF, SDRF અને અન્ય બચાવ ટીમોની મદદથી 400 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત કાર્ય અંતર્ગત અત્યાર સુધીમાં 3,000 થી વધુ ફૂડ પેકેટ અને આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્તો માટે કુલ 61 પૂર રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં આશ્રયની સાથે-સાથે ભોજન, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સદનસીબે હજુ સુધી ખેતી કે પાકને કોઈ મોટું નુકસાન થયાના અહેવાલ નથી.
https://twitter.com/mrpraveen_1/status/2093905839832863057

કાશીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ

બીજી તરફ, કાશીમાં પણ ગંગા નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટી તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય જળ આયોગના અહેવાલ મુજબ, રવિવારે રાત્રે રાજઘાટ ખાતે ગંગાનું જળસ્તર 69.52 મીટર નોંધાયું હતું અને પાણી પ્રતિ કલાક 4 સેન્ટિમીટરના દરે વધી રહ્યું છે. અહીં ગંગા માટે ચેતવણી ચિહ્ન 70.26 મીટર અને ભયનું ચિહ્ન 71.26 મીટર છે. હાલ ગંગા ચેતવણી ચિહ્નથી માત્ર 74 સેન્ટિમીટર જ નીચે વહી રહી છે.
https://twitter.com/ANI/status/2094253297477853321

પૂર ગ્રસ્ત વિસ્તારોમાં રાહત અવે બચાવકામગીરી યથાવત

પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે 6 બોટ અને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પૂર રાહત કીટ, લંચ પેકેટ, ફળો, દૂધ તેમજ ORS અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નદીઓના સતત વધી રહેલા જળસ્તરને કારણે આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ પડકારજનક બની શકે છે, જેને લઈને તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે.

આ પણ વાંચોઃ Ankit Baliyan murder case: અંકિત બાલિયાન હત્યા કેસના 2 શૂટર શામલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર