ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી દુખદ ઘટના સામે આવી છે. અહીં કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલી ગામમાં ભારે વરસાદ વચ્ચે આશરે 100 વર્ષ જૂનું એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પરિવાર સૂતો હતો અને ઘટી દુર્ઘટના

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે વહેલી સવારે આશરે 2.00 વાગ્યાના સુમારે બની હતી. જે સમયે આ જૂનું મકાન તૂટી પડ્યું, તે વખતે પરિવારના તમામ સાત સભ્યો ગાઢ નિદ્રામાં હતા અને સુરક્ષાના ભાગરૂપે કે અન્ય કારણસર એક જ રૂમમાં સૂતા હતા. મકાન અચાનક તૂટી પડવાથી તેઓ ભારે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન ધરાશાયી થવાનો જોરદાર ધડાકો સાંભળીને આસપાસના ગ્રામજનો તરત જ જાગી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ કરી હતી.
https://twitter.com/ANINewsUP/status/2085203842904526945

આખા પરિવારના મોતથી ગામમાં માતમ

માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસે ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડૉક્ટરોએ 6 સભ્યોને મૃત જાહેર કર્યા. મૃત્યુ પામનારાઓમાં એક દંપતી, તેમનો યુવાન પુત્ર, પુત્રવધૂ અને બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. આ અચાનક થયેલી દુર્ઘટનાથી સમગ્ર મહુલી ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ખૂબ જ જુનું અને જર્જરિત હતુ મકાન

અહેવાલો અનુસાર, મહુલી ગામના રહેવાસી પ્રમોદ શ્રીવાસ્તવનું આ ઘર ખૂબ જ જૂનું અને જર્જરિત હાલતમાં હતું. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે આ મકાનની દીવાલો અને છત નબળી પડી ગઈ હતી, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું. વહીવટી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોમાસાની સિઝનમાં આવા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.

આ પણ વાંચોઃ Video: માંડ માંડ બચ્યા Donald Trump! હેલિકોપ્ટરની નજીક આવી ગયું પેસેન્જર વિમાન