યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટનમાં થોડી મિનિટો માટે ભારે અફડાતફડી મચી ગઈ હતી, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ જતું લશ્કરી હેલિકોપ્ટર અને એક પેસેન્જર વિમાન એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા. આ ગંભીર ઘટના બાદ સવાલો ઉભા થયા છે કે શું કોઈ મોટી હવાઈ દુર્ઘટના માંડ-માંડ ટળી છે? હાલ યુએસની વિવિધ એજન્સીઓ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂંક

અમેરિકાન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ ઘટના મંગળવારના રોજ વોશિંગ્ટન ઉપર ઉડાન દરમિયાન બની હતી. જ્યારે 'મરીન વન' હેલિકોપ્ટર એન્ડ્રુઝ એરફોર્સ બેઝ તરફ જઈ રહ્યું હતું, ત્યારે એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ખોરવાયો હતો. આ દરમિયાન હેલિકોપ્ટર અને એક કોમર્શિયલ પેસેન્જર પ્લેન વચ્ચેનું અંતર એક માઈલ કરતા પણ ઓછું થઈ ગયું હતું. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી છે.

ટ્રમ્પના હેલિકોપ્ટર સાથે પેસેન્જર વિમાન અથડાયું

મળતી માહિતી પ્રમાણે આ ઘટના બપોરે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ બની હતી. જે સમયે આ કમનસીબ સ્થિતિ સર્જાઈ, તે વખતે અમેરિકન એરલાઇન્સની પેટાકંપની એન્વોય એર દ્વારા સંચાલિત એમ્બ્રેર E-170 વિમાન ઉડાન ભરી રહ્યું હતું, જ્યારે મરીન વન હેલિકોપ્ટર ડોનાલ્ડ ટ્રમ્પને કેલિફોર્નિયા જવા માટેના પ્રમુખ વિમાનમાં બેસાડવા એરફોર્સ બેઝ જઈ રહ્યું હતું. ઉડ્ડયન નિયમો અનુસાર આવી સ્થિતિમાં બે વિમાનો વચ્ચે ઓછામાં ઓછું 1.5 માઈલનું અંતર અને 500 ફૂટ ઊંચાઈનો તફાવત હોવો અનિવાર્ય છે.
https://twitter.com/STATter911/status/2084852473374691760

મોટી જાનહાનિ ટળી

બીજી બાજુ, વ્હાઇટ હાઉસ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ ક્ષણે જોખમમાં નહોતા. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મરીન વનને ઉડાવનારા પાઇલટ્સ વિશ્વના અત્યંત કુશળ અને શ્રેષ્ઠ પાઇલટ્સમાં ગણાય છે. FAA ના જણાવ્યા મુજબ, એર ટ્રાફિક કંટ્રોલર્સ સુરક્ષિત અંતર જાળવવા માટે બંને વિમાનોના પાઇલટ્સના સતત સંપર્કમાં હતા.

પહેલા બનેલી દુર્ઘટનામાં 67 લોકોએ ગુમાવ્યા જીવ

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025 માં વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન અને લશ્કરી હેલિકોપ્ટર વચ્ચે સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં 67 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે કરુણાંતિકા બાદ FAA દ્વારા એરપોર્ટની આસપાસ સુરક્ષા અને હવાઈ નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં આવી જોખમી પરિસ્થિતિઓથી બચી શકાય.

આ પણ વાંચોઃ Weather Update: દિલ્હીથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદનું એલર્ટ, 17 રાજ્યોમાં મુશ્કેલીઓ વધી