ઉત્તર પ્રદેશમાં બુધવારે આવેલા ભયાનક વાવાઝોડા, ગાજવીજ સાથેના વરસાદ અને કરા પડવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ભારે વિનાશ વેર્યો છે. કુદરતના આ પ્રકોપમાં અત્યાર સુધીમાં 74 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવામાન વિભાગે હજુ પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવી રાજ્યના ૩૮ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.
100 કિમીની ઝડપે ફૂંકાયો વિનાશક પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર સક્રિય થયેલી ચક્રવાતી સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાન તરફથી આવતા પૂર્વીય પવનોને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બુધવારે બપોરે શરૂ થયેલું સામાન્ય હલચલ સાંજ સુધીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું. રાજ્યના અનેક ભાગોમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે અસંખ્ય વૃક્ષો, વીજળીના થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા.
જિલ્લાવાર જાનહાનિની વિગતો
આ કુદરતી હોનારતમાં સૌથી વધુ અસર પ્રયાગરાજ અને ઉન્નાવ જિલ્લામાં જોવા મળી છે:
પ્રયાગરાજ: અહીં સૌથી વધુ 17 લોકોના મોત થયા છે, જેમાં 5 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. અનેક ઘરોને નુકસાન થયું છે અને પશુધનને પણ મોટી હાનિ પહોંચી છે.
ભદોહી અને ફતેહપુર: ભદોહીમાં 10 અને ફતેહપુરમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઉન્નાવ: સાત લોકોના મોત થયા છે, જેમાં આંબાનું ઝાડ પડવાથી એક વૃદ્ધ ખેડૂત અને નીલગિરીનું ઝાડ પડવાથી ૯ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.
અન્ય જિલ્લાઓ: બદાયૂંમાં 6, બરેલીમાં 4 અને સીતાપુરમાં ૨ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત ઝાંસી, કાનપુર દેહાત અને સંભલ જેવા જિલ્લાઓમાં પણ મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે.
વીજ પુરવઠો અને ટ્રાફિક ઠપ્પ
ભારે પવનને કારણે ઠેર-ઠેર વૃક્ષો પડવાથી મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વીજળીના થાંભલા ઉખડી જવાથી ડઝનબંધ જિલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો. અનેક જગ્યાએ પાર્ક કરેલી કાર પર વૃક્ષો પડવાથી વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આગામી કલાકો માટે ચેતવણી
હવામાન વિભાગે લખનૌ, પ્રયાગરાજ, જૌનપુર અને બાંદા સહિત ૩૮ જિલ્લાઓ માટે સાવચેતીના ભાગરૂપે ચેતવણી જાહેર કરી છે. આગામી સમયમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ LPG ટેન્કર MV Sunshineએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું, ટુંક સમયમાં પહોંચશે ભારત
આ પણ વાંચોઃ LPG ટેન્કર MV Sunshineએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું, ટુંક સમયમાં પહોંચશે ભારત
