ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં દેશના ઉભરતા પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીનો મૃતદેહ મળી આવતા રમતજગત અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસને બપોર દરમિયાન ઘટનાની જાણ થઈ હતી, ત્યારબાદ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

https://twitter.com/ANINewsUP/status/2060747650174210485


મૃતદેહ સાઈ ઉપવન વિસ્તારમાંથી મળી આવ્યો

મળતી માહિતી અનુસાર, ચિરાગ ત્યાગીનો મૃતદેહ ગાઝિયાબાદના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સાઈ ઉપવન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ચિરાગ દિલ્હીની એક હોસ્ટેલમાં રહેતા હતા અને સવારે પોતાના વતન બસંતપુર સૈંથલી, મુરાદનગર જવા માટે નીકળ્યા હતા. જોકે તેઓ ઘરે પહોંચ્યા નહોતા, ત્યારબાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ચિરાગની પીઠ પર એક શંકાસ્પદ છિદ્ર જોવા મળ્યું

પોલીસના જણાવ્યા મુજબ ચિરાગની પીઠ પર એક શંકાસ્પદ છિદ્ર જોવા મળ્યું છે. આ ઈજા ગોળી વાગવાથી થઈ છે કે અન્ય કોઈ હથિયારના કારણે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પરિવારને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે CCTV ફૂટેજના આધારે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

ચિરાગ ત્યાગી દેશના પ્રતિભાશાળી પેરા એથ્લીટ તરીકે ઓળખાતા હતા. તાજેતરમાં બેંગલુરુમાં યોજાયેલી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં તેમણે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે તેમણે પેરા એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું હતું. ચિરાગની અચાનક અને શંકાસ્પદ પરિસ્થિતિમાં થયેલી મૃત્યુએ રમતજગતમાં ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે જ ઘટનાની હકીકત સામે આવશે.

આ પણ વાંચો : Delhi Building Collapsed : મહરોલીમાં 5 માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા