ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. નંદનગર નગર પંચાયતના કુંત્રી વોર્ડમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનમાં લગભગ અડધો ડઝન ઘર કાટમાળ નીચે દટાઈ ગયા. જેમાં ઘણા લોકો ગુમ પણ થયા હતા. આ દરમિયાન મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી આજે (શનિવાર, 20 સપ્ટેમ્બર) ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યપ્રધાને રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ વિશે પૂછપરછ કરી
આ દરમિયાન મુખ્યપ્રધાન ધામીએ અસરગ્રસ્ત પરિવારો સાથે પણ મુલાકાત કરી અને તેમની તબિયત પૂછી. તેમણે પીડિતોને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન, મુખ્યપ્રધાને રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ વિશે પૂછપરછ કરી અને જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પીડિતોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો જોઈએ અને તેમને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે.
મુખ્યપ્રધાન ધામીએ પીડિતોના પરિવારો સાથે કરી મુલાકાત
મુખ્યપ્રધાને અસરગ્રસ્ત પરિવારોને સહાયની ખાતરી આપતા કહ્યું કે રાજ્ય સરકાર આપત્તિની આ ઘડીમાં તેમની સાથે સંપૂર્ણ રીતે ઉભી છે અને પ્રાથમિકતાના આધારે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાન ધામીએ રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યું અને ખોરાક, પીવાનું પાણી, તબીબી સંભાળ, સ્વચ્છતા અને કામચલાઉ રહેઠાણ જેવી સુવિધાઓની સમીક્ષા કરી.
સામાન્ય જીવન પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો
સીએમ ધામીએ ખાતરી આપી કે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય જીવન પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો ચાલુ છે અને ભવિષ્યમાં આવનારી આફતોના કાયમી ઉકેલ માટે નક્કર પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે. આ પ્રવાસમાં મુખ્યપ્રધાન સાથે વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો અને જનપ્રતિનિધિઓ પણ જોડાયા. મુખ્યપ્રધાન ધામીએ લોકોને ખાતરી આપી કે રાજ્ય સરકાર તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે અને અસરગ્રસ્તોને રાહત આપવા માટે તમામ સંસાધનો કાર્યરત કર્યા છે.