ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વરસાદ, ભૂસ્ખલન અને હિમવર્ષાને કારણે 10 ટ્રેકિંગ જૂથોના 136 ટ્રેકર્સ ફસાયા છે. તમામ ટ્રેકર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઉત્તરકાશીમાં પાંચ હેલિકોપ્ટર પહોંચી ગયા છે. જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ, SDRF, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓની સંયુક્ત ટીમો ઊંચાઈવાળા વિસ્તારોમાંથી ટ્રેકર્સ અને પોર્ટર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે રેસક્યુની કામગીરી 

બચાવ ટીમો દેશ-વિદેશથી આવેલા ટ્રેકર્સની ટ્રેકિંગ રૂટ પરથી સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી રહી છે. સાથે જ, વહીવટીતંત્ર તેમના રહેઠાણ, ભોજન અને પ્રાથમિક સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ત્યાં કુલ 136 પર્વતારોહકો, ટ્રેકર્સ અને સહાયક સ્ટાફ હાજર છે. જેમાં કાલિંદી પાસ બેઝ કેમ્પમાં 18 સભ્યો અને ઓડેન્સ કોલ પાસ બેઝ કેમ્પમાં 29 સભ્યોનો સમાવેશ થાય છે.

https://twitter.com/ANI/status/2104430958380494996

1,500 યાત્રાળુઓને ગૌરીકુંડ લાવવામાં આવ્યા

અન્ય પર્વતારોહકો પણ સુરક્ષિત સ્થળોએ રોકાયેલા છે અને તેમને તેમની ટ્રેકિંગ યાત્રામાં આગળ વધતા અટકાવવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કંટ્રોલ રૂમ પાસેથી નિયમિત અપડેટ્સ મેળવી રહ્યા છે. આ ઉપરાંત, SDRF, NDRF અને DDRFની સંયુક્ત ટીમોએ રવિવારે મોડી રાત્રે ભૂસ્ખલનને કારણે કેદારનાથ રૂટ પર ચિરબાસા નજીક ફસાયેલા લગભગ 1,500 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવીને ગૌરીકુંડ પહોંચાડ્યા હતા.

https://twitter.com/ANI/status/2104374055650664857

ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ 

27 સપ્ટેમ્બરની મોડી રાત્રે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ (DCR) એ સોનપ્રયાગ પોલીસને જાણ કરી હતી કે ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ જવાથી ગૌરીકુંડથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ચિરબાસા નજીક ઘણા યાત્રાળુઓ ફસાયા છે. આ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને, સબ-ઇન્સ્પેક્ટર આશિષ ડિમરીના નેતૃત્વમાં સોનપ્રયાગની SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ટીમો દ્વારા સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી

ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ટીમને જાણવા મળ્યું કે ચિરબાસા હેલિપેડ નજીક કાટમાળને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. પહાડ પરથી સતત પડતા પથ્થરોને કારણે તે રસ્તા પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું હતું. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ, SDRF, NDRF અને DDRFની ટીમોએ સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી. યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને, બચાવ ટીમોએ તેમને ભૂસ્ખલનનું જોખમ ધરાવતા વિસ્તારમાંથી સાવચેતીપૂર્વક સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

આશરે 1500  યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ગૌરીકુંડ તરફ રવાના કરવામાં આવ્યા. સતત પથ્થરો પડવા અને ભૂસ્ખલનના જોખમ છતાં, બચાવ ટીમોએ અસરકારક સંકલન દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી.

આ પણ વાંચો TRAI new Rules for Telecom Companies: મોબાઇલ યુઝર્સ માટે મોટી ખુશખબર! ડેટા વગર પણ મળશે સસ્તું રિચાર્જ