જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત વૈષ્ણો દેવી મંદિરમાં ચઢાવવામાં આવતી ચાંદી અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા અને આભૂષણના રૂપમાં અર્પણ કરવામાં આવેલી ચાંદીમાં ભારે ભેળસેળ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે થોડા મહિના પહેલા લગભગ 20 ટન ચાંદી સરકારી વિભાગને ઓગાળવા અને સંગ્રહ માટે સોંપી હતી.


ચાંદીમાં ઝેરી તત્વ કેડમિયમ અને લોખંડની ભેળસેળ

આ ચાંદીનું મૂલ્ય અંદાજે 500થી 550 કરોડ રૂપિયા ગણવામાં આવ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાંદીમાં ઝેરી તત્વ કેડમિયમ અને લોખંડની ભેળસેળ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચકાસણીમાં આ ચાંદીમાં વાસ્તવિક ચાંદીનું પ્રમાણ માત્ર 5થી 6 ટકા જ હોવાનું બહાર આવ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આથી સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધાળુઓની ભાવનાનો લાભ લઈને નકલી અથવા ભેળસેળવાળી ચાંદી ચઢાવવામાં આવી રહી હતી.

સમગ્ર મામલે હવે વધુ તપાસ શરૂ

આ ઘટનાએ મંદિર વ્યવસ્થાપન તેમજ શ્રદ્ધાળુઓ વચ્ચે ચિંતા અને આશ્ચર્યનો માહોલ ઊભો કર્યો છે. હવે શ્રાઈન બોર્ડ દ્વારા સમગ્ર મામલે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ પ્રકારની ભેળસેળ માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ જોખમી બની શકે છે, કારણ કે કેડમિયમ જેવા ઝેરી તત્વો માનવ શરીર માટે હાનિકારક છે. આ સમગ્ર મામલે હવે વધુ તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે સખત પગલાં લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Delhi : નકલી ઈનો અને નેસ્કેફેની ફેક્ટરીનો ભાંડો ફુટ્યો, 20 લાખનો માલ જપ્ત



  • Follow us on: