જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વત પર બિરાજમાન માતા વૈષ્ણોદેવી મંદિરે વર્ષ ૨૦૨૬માં શ્રદ્ધાળુઓની સંખ્યાનો એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 8.7 મિલિયન (87 લાખ) થી વધુ ભક્તોએ માતાજીના દરબારમાં હાજરી આપીને દર્શન કર્યા છે. વર્ષ પૂર્ણ થવામાં હજુ સમય બાકી હોવાથી, શ્રાઇન બોર્ડને પૂરો વિશ્વાસ છે કે 2026 ના અંત સુધીમાં યાત્રાળુઓનો આ આંકડો ૧ કરોડની ઐતિહાસિક સપાટીને પણ વટાવી જશે. આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હવે માત્ર આશરે 1.3 મિલિયન (13 લાખ) વધુ શ્રદ્ધાળુઓની જરૂર છે, જે બાકીના દિવસોમાં સરળતાથી પૂર્ણ થવાની અપેક્ષા છે.
પાછલા વર્ષના તમામ રેકોર્ડ તૂટ્યા
આ વર્ષે ભક્તોની સંખ્યામાં થયેલો આ જંગી વધારો પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન આખા વર્ષમાં કુલ 69.78 લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા, જ્યારે 2026 માં વર્ષ પૂરું થાય તે પહેલાં જ ગત વર્ષની સરખામણીમાં 17.22 લાખ વધુ ભક્તો આવી ચૂક્યા છે. આમ, યાત્રાળુઓની સંખ્યામાં અંદાજે ૨૫ ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રાળુઓની સુગમતા માટે કરવામાં આવેલી સુધારેલી વ્યવસ્થા, આધુનિક સુવિધાઓ અને સુરક્ષા પ્રબંધનને કારણે દેશ-વિદેશથી આવતા ભક્તોનો ઉત્સાહ બમણો થયો છે.
