દક્ષિણ નાઇજીરીયાના બેયલ્સા રાજ્યમાં એક અત્યંત કરૂણ જળ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહેલા લોકોની હોડી પલટી જતાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. નાઇજીરીયાની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન એજન્સી (NEMA) ના પ્રવક્તા માંજો એઝેકીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવારે એક સમુદાયના લોકોને અંતિમ વિધિ માટે બીજા સમુદાયમાં લઈ જઈ રહેલી બોટ અચાનક રસ્તામાં જ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દુર્ઘટનામાં 24 લોકોના મોત
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને બચાવ દળો દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ પ્રવક્તા મુસા મોહમ્મદે માહિતી આપતા જણાવ્યું હતું કે, બચાવ ટુકડીઓએ પાણીમાંથી અન્ય 24 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે અને તમામને તાત્કાલિક સારવાર માટે તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે. જોકે, હોડીમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા તે અંગે અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની આશંકા સેવાઈ રહી છે અને શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
https://x.com/MfonEkpeNkom/status/2123889248528978311?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123889248528978311%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
