જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણવદેવીના રસ્તા પર સર્જાયેલી કુદરતી આફતે ઘણા પરિવારોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ઉત્તરપ્રદેશના શ્રદ્ધાળુઓના પરિવારજનો માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી છે અને એક મોટી જાહેરાત પણ કરી છે.


ભૂસ્ખલનને કારણે ચારેબાજુ માત્ર વિનાશ

મુખ્યપ્રધાને કહ્યું કે આ દુ:ખના સમયમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે. તેમને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. સાથે જ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે મૃતક શ્રદ્ધાળુઓને પૂરા સન્માન સાથે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે જમ્મુમાં જનજીવન પુરી રીતે ખોરવાઈ ગયું છે. સતત ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે અને ચારેબાજુ માત્ર વિનાશ વ્યાપી ગયો છે. માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે 30થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

NDRFની ટીમ તૈનાત કરવા બદલ PMનો આભાર : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વિગતવાર જાણકારી આપી. મુખ્યપ્રધાને કહ્યું કે, મેં થોડા સમય પહેલા વડાપ્રધાન સાથે વાત કરી હતી. મેં તેમને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. NDRFની ટીમ તૈનાત કરવા બદલ હું તેમનો આભાર માનું છું. વડાપ્રધાને ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડશે.


  • Follow us on: