હરિયાણાના ગુરુગ્રામમાં કાયદાના ધજાગરા ઉડાડતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક કાર ચાલકે ઇરાદાપૂર્વક મહિલા બાઇકરને ટક્કર મારીને રસ્તા પર ફેંકી દીધી હતી. પીડિત મહિલા બાઈકર, જેની ઓળખ સિયા તરીકે થઈ છે, તેણે આ સમગ્ર ઘટનાનો ભયાનક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'rebelwheels-Sia_' પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કારની ટક્કર બાદ મહિલા રોડ પર પડી જાય છે અને તેની બાઈક ઘણે દૂર સુધી ઘસડાઈ જાય છે, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ગોલ્ફ કોર્સ રોડ પર કાર ચાલકે કર્યો પીછો અને આપી ટક્કર

સિયાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે પોતાની એપ્રિલિયા આરએસ ૪૫૭ (Aprilia RS 457) બાઇક પર પોતાના એક મિત્ર સાથે ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પરથી પસાર થઈ રહી હતી. એ સમયે એક કાર સતત તેનો પીછો કરી રહી હતી અને કારમાં બેઠેલા શખ્સો વિચિત્ર હરકતો કરી રહ્યા હતા. સિયાએ તેમને દૂર રહેવા જણાવ્યું ત્યારે આરોપીઓએ તેને બાઇક રોકવા માટે કહ્યું હતું. તેઓ નશાની હાલતમાં હોવાની શંકા હોવાથી સિયાએ બાઈક રોકી ન હતી, જેનાથી ગુસ્સે થઈને કાર ચાલકે બાજુમાંથી આવીને તેની બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી.

બાઇકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના, પોલીસે શરૂ કરી તપાસ

આ અકસ્માતમાં સિયા રસ્તા પર ફેંકાઈ ગઈ હતી અને તેની બાઈક દૂર સુધી લપસી ગઈ હતી. સિયાની બાઇકમાં કેમેરો લગાવેલો હોવાથી આ આખી ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ઘટના બાદ સિયાના મિત્રએ કારનો પીછો કર્યો અને આગળ ટ્રાફિક સિગ્નલ પર કાર ચાલકને રોકીને વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઇવરે પોતાની ભૂલ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સિયાએ સોશિયલ મીડિયા પર કારનો નંબર અને માલિકનું નામ શેર કરીને ગુરુગ્રામ પોલીસને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે, જેને લઈને નેટીઝન્સમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો : Indian Air Forceએ નિવૃત્ત અધિકારી નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ ઉજવ્યો