દક્ષિણ ભારતના લોકોને હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાય મેળવવા માટે દિલ્હી સુધી લાંબી મુસાફરી કરવી ન પડે તે માટે એક નવી પહેલ કરવામાં આવી છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક બેન્ચ સ્થાપવાની માંગ કરી છે. આ માંગ સાથે તેમણે દક્ષિણ ભારતના લોકોને ન્યાય મેળવવામાં પડતી મુશ્કેલીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી વિજયે પોતાના પત્રમાં જણાવ્યું છે કે તમિલનાડુમાં ચેન્નાઈ ખાતે સુપ્રીમ કોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ નવી નથી. આ માંગ લગભગ ચાર દાયકાથી પણ વધુ સમયથી કરવામાં આવી રહી છે. વર્ષ 1980માં પહેલીવાર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમ છતાં અત્યાર સુધી આ દિશામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

દિલ્હી સુધી જવાનો ખર્ચ અને મુશ્કેલી

મુખ્યમંત્રી વિજયના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ભારતના લોકોને સુપ્રીમ કોર્ટમાં પોતાના કેસની સુનાવણી માટે નવી દિલ્હી જવું પડે છે. દિલ્હી સુધીની લાંબી મુસાફરીમાં સમય અને પૈસા બંનેનો ખર્ચ થાય છે. ખાસ કરીને સામાન્ય પરિવારો માટે આ પ્રક્રિયા ઘણી મુશ્કેલ બની જાય છે. તેમણે બંધારણની કલમ 32નો ઉલ્લેખ કરતાં કહ્યું કે નાગરિકોને મળેલા બંધારણીય ઉપાયોનો લાભ મેળવવો દક્ષિણ ભારતના લોકો માટે વ્યવહારમાં મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ શરૂ કરવામાં આવે તો તમિલનાડુ ઉપરાંત અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોના લોકોને પણ રાહત મળી શકે છે.

2007માં પ્રસ્તાવ નામંજૂર થયો હતો

ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ સ્થાપવાનો પ્રસ્તાવ અગાઉ પણ રજૂ થયો હતો. જોકે, વર્ષ 2007માં સુપ્રીમ કોર્ટની પૂર્ણ બેન્ચે આ પ્રસ્તાવને નામંજૂર કરી દીધો હતો. તે સમયે તમિલનાડુ સરકારે ન્યાયાધીશો માટે રહેઠાણ સહિત જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી. હવે મુખ્યમંત્રી વિજયે આ મુદ્દે ફરી વિચાર કરવાની માંગ કરી છે. તેમણે વડાપ્રધાનને વિનંતી કરી છે કે સંસદીય સ્થાયી સમિતિઓની ભલામણો, કાયદા પંચના અહેવાલો અને દેશના સંઘીય માળખાને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.

1862થી કાર્યરત મદ્રાસ હાઈકોર્ટનો પણ ઉલ્લેખ

મુખ્યમંત્રી વિજયે વર્ષ 2004, 2006, 2008 અને 2021ની સંસદીય સ્થાયી સમિતિઓની ભલામણોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સમિતિઓએ દેશના અલગ-અલગ વિસ્તારોમાં સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક બેન્ચ સ્થાપવાના વિચારને સમર્થન આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે વર્ષ 1862માં સ્થપાયેલી મદ્રાસ હાઈકોર્ટ દેશની સૌથી જૂની હાઈકોર્ટમાંની એક છે. ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ શરૂ કરવા માટે અહીં જરૂરી કાયદાકીય નિષ્ણાતો અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. વિજયના મતે, પ્રાદેશિક બેન્ચ શરૂ થવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર કોઈ અસર નહીં થાય. તેનું નિયંત્રણ ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે જ રહેશે.

હવે જોવાનું એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માંગ પર શું પગલાં લે છે અને ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ સ્થાપવાનો વર્ષો જૂનો મુદ્દો આગળ વધે છે કે નહીં.

આ પણ વાંચો: Rajnath Singh: 'સમુદ્રમાં વધતો પડકાર ચિંતાજનક... વિશ્વસનીય માળખાગત સુવિધાઓની જરૂર છે'