થોડા દિવસોની રાહત પછી મહારાષ્ટ્રમાં ફરી એક વખત વરસાદે બેટિંગ શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. હવે હવામાન વિભાગે નવી આશંકા વ્યક્ત કરી છે.
મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ છે. આવનારા 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા 6 જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આવનારા 24 કલાકમાં કોલ્હાપુર, પુણે, રાયગઢ, સાંગલી, સતારા અને ઠાણેના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. જેથી ત્યાંના લોકોને એલર્ટ રહેવા સુચન કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. દર વર્ષે લગભગ ચોમાસુ 7 જૂને શરૂ થાય છે, પરંતું આ વખતે 12 દિવસ પહેલા એટલે કે 25 મેએ પહોંચી ગયું હતું.
દિલ્હીમાં આવશે વરસાદ
દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પરંતું લોકોને 50 ડિગ્રી કરતા વધુ ગરમી લાગી રહી છે. ગરમ હવાઓ અને હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા છે. પરંતું હવે દિલ્હીના લોકો માટે રાહતના સમાચાર છે. કારણકે હવામાન વિભાગે આજે દિલ્હીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ભારે પવન અને વરસાદ વરસવાની આશંકા છે. દિલ્હીવાસીઓને ગરમીમાં રાહત મળી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષોભને કારણે આવનારા થોડા દિવસોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ઘણા વિસ્તારોમાં જોરદાર પવન સાથે તોફાનની સ્થિતિ સર્જાઈ શકે છે. ખેડૂતો અને સામાન્ય લોકોને આ દરમિયાન સતર્ક અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.