દેશભરમાં ચોમાસાનો તબક્કો ફરી એકવાર ખૂબ જ સક્રિય થયો છે, જેના કારણે અનેક રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત દેશના 15 જેટલા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી હવામાન પ્રણાલી (સિસ્ટમ) ને કારણે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો દોર સતત ચાલુ રહેવાની પૂરી સંભાવના છે.

બિહારના 18 જિલ્લાઓ પૂરની ઝપેટમાં

આ ભારે વરસાદની સૌથી વધુ વિપરીત અસર બિહાર અને ઉત્તર પ્રદેશ પર જોવા મળી રહી છે. બિહારના આશરે 18 જેટલા જિલ્લાઓ હાલમાં ગંભીર પૂરનો સામનો કરી રહ્યા છે. ભાગલપુર અને પટના જેવા મોટા શહેરોમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર અથવા તેના નજીક વહી રહી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે વિશેષ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પટના, છપરા, પૂર્ણિયા, બક્સર અને રોહતાસ સહિતના જિલ્લાઓમાં વરસાદની પ્રબળ શક્યતા છે. 

ઉત્તર પ્રદેશના 26 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

ઉત્તર પ્રદેશના પણ આશરે 26 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ વિકસી છે. અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર, લખનૌ અને મિર્ઝાપુર જેવા વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યુપીમાં 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું જોખમ યથાવત રહેશે.

મધ્યપ્રદેશ સહિત પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની આશંકા

મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉપરાંત દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ આજે વરસાદ પડવાની પૂરી આગાહી છે. દિલ્હી-એનસીઆરમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની આ સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સક્રિય હોવાથી આ અઠવાડિયે સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ US: મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એમેઝોનનું બોઇંગ 767 પ્લેન ક્રેશ, આગ લાગતા 5 લોકોના મોત