અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલા મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર અને ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એમેઝોન પ્રાઇમ એર માટે ઉડાન ભરી રહેલું બોઇંગ 767 કાર્ગો વિમાન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તે દરમિયાન અચાનક રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. કાબૂ બહાર ગયેલું આ વિમાન એરપોર્ટ નજીક આવેલા અનેક વાહનો સાથે અથડાયું હતું, જેના કારણે તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે.

વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા

સ્થાનિક અધિકારીઓ દ્વારા આપેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા. જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મિયામી-ડેડ કાઉન્ટીના ફાયર ચીફ રે જદલ્લાહે જણાવ્યું હતું કે પાંચ મૃતકો ઉપરાંત ત્રણ ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે લોકો સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. વિમાન અકસ્માત બાદ અનેક વાહનો સાથે અથડાવાથી કેટલાક મુસાફરો કે વાહનચાલકો અંદર જ ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે વિશેષ ટેકનિકલ બચાવ ટીમને બોલાવવી પડી હતી. આ ટીમે વિમાનમાં સવાર પાઇલટ અને કો-પાઇલટને શોધવા અને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
https://www.instagram.com/reel/Dc-QXTPDQIu/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA%3D%3D


રનવેથી લપસી અન્ય વાહનો સાથે અથડાતા લાગી ભીષણ આગ

દુર્ઘટનાની ભયાનકતા એટલી હતી કે વાદળી અને સફેદ રંગના બોઇંગ 767 વિમાનમાંથી સતત ગાઢ ધુમાડો નીકળતો નજરે પડતો હતો. બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ પ્યુઅર્ટો રિકોથી મિયામી પહોંચેલી આ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બની હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે આશરે 60 ફાયર અને રેસ્ક્યૂ વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ લગભગ 200 જેટલા ફાયર અને રેસ્ક્યૂ કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા નથી મળ્યું

આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટના તમામ રનવે અને ટેક્સીવે અસ્થાયી રૂપે બંધ કરવા પડ્યા હતા. એરપોર્ટે મુસાફરોને વિમાન પ્રવાસ કરતા પહેલા તેમની સંબંધિત એરલાઇન સાથે ફ્લાઇટની સ્થિતિ ચકાસી લેવાની સલાહ આપી હતી. બીજી તરફ, એમેઝોન કંપનીના પ્રવક્તા કેલી નેન્ટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કંપની આ દુર્ઘટના અંગે માહિતી એકત્ર કરી રહી છે અને સત્ય બહાર લાવવા માટે સ્થાનિક તેમજ સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ Delhi Building Collapse: સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયીમાં મૃત્યુઆંક વધીને 6 એ પહોંચ્યો, માત્ર 20 સેક્ન્ડનો VIDEO આવ્યો સામે