ચોમાસાના પ્રસ્થાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ૧૭ સપ્ટેમ્બરના રોજ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું બની રહ્યું છે.

દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી

રાજધાની દિલ્હીમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદ અથવા ઝરમર વરસાદની સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. આગામી 18 થી 20સપ્ટેમ્બર દરમિયાન પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે, જ્યારે ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરે આકાશ સ્વચ્છ થવાની ધારણા છે.

આટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

ઉત્તર પ્રદેશમાં પણ મહારાજગંજ, ગોરખપુર, આઝમગઢ, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, મેરઠ, આગ્રા અને લખનૌ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વી રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.

પર્વતીય વિસ્તારો અને અન્ય રાજ્યોની સ્થિતિ

પર્વતીય પ્રદેશોમાં ઉત્તરાખંડના નૈનિતાલ, પિથોરાગઢ અને ચમોલી તેમજ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ, કુલગામ, જમ્મુ, ઉધમપુર અને કુપવાડા જેવા વિસ્તારોમાં પણ ખરાબ હવામાનની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા તેમજ પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે નાગરિકોને આ પ્રતિકૂળ હવામાન દરમિયાન સાવચેત રહેવા અને જરૂરી કાળજી લેવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ PM Modi Birthday: 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મોદી, દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો પ્રારંભ