હાલમાં ભારતનું હવામાન અત્યંત પરિવર્તનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ચોમાસું દેશના વિવિધ ભાગોમાં આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ હજુ પણ ઘણા રાજ્યોમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો પરેશાન છે.
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં સક્રિય થયું છે. આગામી 6-7 દિવસોમાં પૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. 18 થી 21 જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ અને વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવવાની ચેતવણી આપવામાં આવી છે.
દિલ્હી અને ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડવા છતાં તાપમાનમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને વધેલી હવામાં ભેજને કારણે લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 38°C થી 40°C ની વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, ૧૬ થી ૨૦ જૂન દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં હળવાથી મધ્યમ વરસાદ અને 40-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાનમાં 16 જૂને ભારે વાવાઝોડાની શક્યતા છે.
ગરમી અને હીટવેવનું એલર્ટ
દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે 16 થી 18 જૂન દરમિયાન તેલંગાણા, વિદર્ભ, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઓડિશામાં ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં વાર્મ નાઇટનું એલર્ટ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દિવસની સાથે રાત્રિ દરમિયાન પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે.
અન્ય વિસ્તારોમાં રહેશે તીવ્ર ગરમી
દેશના એક મોટા ભાગમાં ચોમાસું રાહત લઈને આવી રહ્યું છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોએ હજુ પણ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. નાગરિકોને હવામાન વિભાગની ચેતવણીઓ પર ધ્યાન આપવા અને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT