દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. NCERTએ સ્પષ્ટતા કરી છે કે નવીનતમ અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલી તમામ પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પુસ્તકોની અછત અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે NCERTએ જણાવ્યું છે કે સપ્લાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવામાં આવશે.


સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

NCERTના જણાવ્યા અનુસાર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 (NEP 2020) હેઠળ નવા અભ્યાસક્રમને અનુરૂપ પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ વર્ષે ધોરણ 9ના નવ વિષયોની 90 લાખથી વધુ પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરીને દેશભરમાં પહોંચાડવામાં આવી છે. સોશિયલ સાયન્સના પુસ્તક સિવાય મોટાભાગની પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ચૂકી છે, જ્યારે સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ

નવી પુસ્તકોની સપ્લાય માટે NCERT પોતાના વેચાણ કેન્દ્રો, અધિકૃત વિક્રેતાઓ, ઓનલાઈન પોર્ટલ, વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના સહયોગથી સ્થાપિત સ્ટ્રેટેજિક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ (SDCs)નો ઉપયોગ કરી રહી છે. કાઉન્સિલે સ્વીકાર્યું છે કે નવા અભ્યાસક્રમના અમલીકરણને કારણે કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક અને સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ શકે છે. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માગ મુજબ સપ્લાય વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે

NCERTએ જણાવ્યું કે વિલંબનું મુખ્ય કારણ NEP 2020 આધારિત નવા કરિક્યુલમનો અમલ છે. વિવિધ ધોરણોની પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત થઈ રહી હોવાથી શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેમ છતાં, દરેક વિદ્યાર્થીને સમયસર ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરતાં NCERTએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.

આ પણ વાંચો : PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત



  • Follow us on: