ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે દેશભરમાં હવામાનના વિવિધ મિજાજ અંગે ગંભીર ચેતવણી જારી કરી છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીની ઝપેટમાં આવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે.


દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ધરખમ વધારો થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ ગરમીનું મોજું (હીટવેવ) ફરી વળવાની શક્યતાને પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વિદર્ભ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયો છે, જે દર્શાવે છે કે ઉનાળો હવે આકરો બની રહ્યો છે.

હીટવેવની આગાહી ધરાવતા વિસ્તારો

આગામી સપ્તાહમાં અનેક રાજ્યોએ ગરમીનો સામનો કરવો પડશે.પૂર્વી ઉત્તર પ્રદેશ: 20 એપ્રિલ સુધી,રાજસ્થાન અને ઓડિશા: 19 થી 22 એપ્રિલ દરમિયાન, મધ્ય પ્રદેશ અને વિદર્ભ: આજે અને આવતીકાલે લૂ ફૂંકાશે,ઝારખંડ: 20 અને 21 એપ્રિલે હીટવેવની શક્યતા.દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ગરમીની સાથે ભેજવાળું હવામાન લોકોને પરેશાન કરશે. ઓડિશા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તો રાત્રિના સમયે પણ ગરમ પવન ફૂંકાવાની અને તાપમાન ઊંચું રહેવાની ચેતવણી અપાઈ છે.

વરસાદ અને કરાની ચેતવણી

જ્યાં એક બાજુ ગરમી પ્રકોપ વરસાવી રહી છે, ત્યાં બીજી બાજુ પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં કુદરતનું અલગ જ રૂપ જોવા મળશે. આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 21 એપ્રિલ સુધી ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. પહાડી વિસ્તારોની વાત કરીએ તો, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડી શકે છે. આ સિવાય હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકમાં કરા પડ્યા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ હવાઈ મુસાફરી પર મોંઘવારીનું'ગ્રહણ', ઇંધણના ભાવ વધતા વૈશ્વિક ફ્લાઇટ્સમાં કાપ!

  • Follow us on: