કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર બંગાળના પ્રવાસના અંતિમ દિવસે શનિવારે દાર્જિલિંગની પહાડીઓની તળેટીમાં આવેલા સુકનાના એક હોટેલમાં પહાડી નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં દાર્જિલિંગના પહાડી વિસ્તારો સાથે જોડાયેલા લાંબા સમયથી પડતર પ્રશ્નો અને વિવિધ માગણીઓના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સહિત પહાડી વિસ્તારના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

કાયમી રાજકીય ઉકેલનું વચન આપવામાં આવ્યું

મળતી માહિતી મુજબ, બેઠકમાં બંધારણીય માળખા હેઠળ દાર્જિલિંગના પહાડી વિસ્તારોની સમસ્યાઓનો 'કાયમી રાજકીય ઉકેલ' શોધવા અંગે મુખ્યત્વે ચર્ચા થઈ હતી. ભાજપ દ્વારા ચૂંટણી દરમિયાન ગોરખા સમુદાય અને પહાડી વિસ્તારોના અન્ય રહેવાસીઓ માટે કાયમી રાજકીય ઉકેલનું વચન આપવામાં આવ્યું હતું. ગોરખા સમુદાય લાંબા સમયથી અલગ ગોરખાલેન્ડ રાજ્યની માગ કરી રહ્યો છે. અલગ ગોરખાલેન્ડની માગ અંગે રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. બેઠકમાં હાજર અન્ય નેતાઓએ પણ આ મુદ્દે સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું.

પંકજ કુમાર સિંહ મધ્યસ્થ તરીકે ભૂમિકા ભજવશે

આ દરમિયાન પહાડી વિસ્તારોના જૂના પ્રશ્નોના ઉકેલ માટે નવી કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે. દાર્જિલિંગના સાંસદ રાજુ બિષ્ટાએ જણાવ્યું કે આ કમિટીમાં પહાડી વિસ્તારોના રાજકીય અને સામાજિક નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. પંકજ કુમાર સિંહ મધ્યસ્થ તરીકે ભૂમિકા ભજવશે. ગોરખા જનમુક્તિ મોરચાના નેતા રોશન ગિરીએ જણાવ્યું કે કમિટી દ્વારા વિવિધ માગણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને બંધારણીય નિયમો મુજબ ઉકેલ શોધવામાં આવશે.

આ પણ વાંચો : Jaipurમાં વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો, NTA સેન્ટર પર વીજળી ગુલ થવાના કારણે ઉમેદવારો પરીક્ષા પૂર્ણ કરી શક્યા નહીં