પશ્ચિમ બંગાળના કાલીલકાપુર સ્થિત હરોરા અલ-જામિયાતુલ ઈસ્લામિયા દારુલ ઉલૂમમાં તપાસ એજન્સીએ દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ અને સોનાના સિક્કા જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 16 જુલાઈએ લખનૌ ઝોનલ ઓફિસ દ્વારા હાથ ધરાયેલી સર્ચ કાર્યવાહી દરમિયાન સંસ્થાની લાઈબ્રેરીમાંથી ₹40 લાખની રોકડ રકમ અને આશરે 180 ગ્રામ વજનના સોનાના સિક્કા મળી આવ્યા હતા.

https://twitter.com/ANI/status/2077713621640216736

જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહીં

તપાસ દરમિયાન સંસ્થાના જવાબદાર વ્યક્તિ પાસે આ રોકડ અને સોના અંગે સંતોષકારક સ્પષ્ટતા માગવામાં આવી હતી. જોકે અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ કોઈ વિશ્વસનીય કારણ અથવા જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. ત્યારબાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 17 હેઠળ રોકડ રકમ અને સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે.

ઈડીએ વધુ તપાસ શરૂ કરી 

અધિકારીઓએ જણાવ્યું કે હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. જપ્ત કરાયેલી સંપત્તિનો સ્ત્રોત શું છે, તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર અથવા મની લોન્ડરિંગ સાથે સંબંધ છે કે નહીં, તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. હાલ સુધી તપાસ એજન્સીએ આ મામલે કોઈ ધરપકડ અથવા અન્ય કાનૂની કાર્યવાહી અંગે માહિતી જાહેર કરી નથી. તેમજ દરુલ ઉલૂમના સંચાલકો તરફથી પણ આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે. અધિકારીઓનું કહેવું છે કે જો તપાસમાં મની લોન્ડરિંગ અથવા અન્ય નાણાકીય અનિયમિતતાઓના પુરાવા મળશે તો કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : West Bengal : મમતા બેનર્જીને વધુ એક ઝટકો, TMC સાંસદ કોયલ મલ્લિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું