પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના તમામ સરકારી અને સહાયિત શાળાઓમાં સવારે પ્રાર્થના સભા (મોર્નિંગ એસેમ્બલી) દરમિયાન 'વંદે માતરમ' ગાવું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર હવે દરેક વિદ્યાર્થીને શાળાની શરૂઆત પહેલાં યોજાતી પ્રાર્થના સભામાં 'વંદે માતરમ' ગાવામાં ભાગ લેવો પડશે.

https://twitter.com/SuvenduWB/status/2054890860349903142


રેકોર્ડ રાખવાની પણ સૂચના

શાળા મુખ્યાધ્યાપકોને આ નિર્ણયનો કડક અમલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ આ પ્રક્રિયાનો રેકોર્ડ રાખવા અને જરૂરી હોય તો વિડિયો રેકોર્ડિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી આદેશનું પાલન થઈ રહ્યું છે તેની ખાતરી થઈ શકે. શિક્ષણ વિભાગના 13 મેના પત્ર મુજબ, મોર્નિંગ એસેમ્બલીમાં વર્ગ શરૂ થવા પહેલા “વંદે માતરમ” ગાવું ફરજિયાત રહેશે. અગાઉ રાજ્યની શાળાઓમાં મુખ્યત્વે રાષ્ટ્રગાન “જન ગણ મન” ગવાતું હતું, તેમજ અગાઉની સરકાર દ્વારા “બાંગ્લાર માટી બાંગ્લાર જલ”ને પણ રાજ્યગીત તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.

શિક્ષક સંગઠનોએ વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવાની માગ કરી

આ નવા નિર્ણય બાદ કેટલાક શિક્ષકો અને શિક્ષણવિદોએ સમય અને ક્રમ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે કે મર્યાદિત સમયગાળામાં તમામ ગીતો કેવી રીતે ગવાશે. બીજી તરફ, કેટલાક શિક્ષક સંગઠનોએ વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવાની માગ કરી છે. હિંદુ સ્કૂલના હેડમાસ્ટર શુભ્રોજીત દત્તાએ જણાવ્યું કે રજાઓ બાદ વિદ્યાર્થીઓ શાળામાં પાછા ફરશે ત્યારે તેઓ “જન ગણ મન” સાથે “વંદે માતરમ” પણ ગાશે. શિક્ષણ વિભાગે આશા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : Suvendu Adhikariના પીએ ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં મોટો ખુલાસો, 70 લાખની આપી હતી સોપારી!