પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર ઉગ્ર ટોળા દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. ચૂંટણી પછીની હિંસાના પીડિતોને મળવા પહોંચેલા ટીએમસી નેતાને સ્થાનિક લોકો અને પ્રદર્શનકારીઓના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ઉગ્ર બનેલા ટોળાએ તેમના પર કાચા ઇંડા અને પથ્થરો ફેંક્યા હતા તેમજ તેમની સાથે ઝપાઝપી કરી કપડાં પણ ફાડી નાખ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને સુરક્ષાકર્મીઓએ ત્વરિત કમાન્ડ સંભાળી અભિષેક બેનર્જીને હેલ્મેટ પહેરાવી સુરક્ષિત ઘેરાવ વચ્ચે બહાર કાઢ્યા હતા.
વિકાસ ન થતાં જનતાનો ફૂટ્યો ગુસ્સો
આ ઘટના સોનારપુરના કમરાબાદ વિસ્તારની છે, જ્યાં અભિષેક બેનર્જી મૃતક કાર્યકર્તાના પરિવારને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક લોકોમાં છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં કોઈ વિકાસ ન થયો હોવાને કારણે ભારે નારાજગી હતી. લોકોનો આરોપ છે કે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી. પ્રદર્શનકારીઓએ 'ચોર-ચોર' ના નારા લગાવી રસ્તા પર બાઇકો આડી નાખી દીધી હતી. લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે જનતા પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહી છે અને નેતાઓએ પોતાના બંગલા ઊભા કરી દીધા છે.
