પુણેના ખડકવાસલા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ના 150મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરતી વખતે થલ સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશના દુશ્મનોને બહુ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે જો દેશની સુરક્ષા માટે જરૂર પડશે તો આપણી ત્રણેય સેનાઓ 'ઓપરેશન સિંદૂર 2.0' માટે સંપૂર્ણપણે તૈયાર છે.

જનરલ દ્વિવેદીએ મે 2025 માં પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' ને ભારતની લશ્કરી તાકાત અને રાષ્ટ્રની દ્રઢ ઈચ્છાશક્તિનો એક નવો બેન્ચમાર્ક ગણાવ્યો હતો.

 યુદ્ધ અને નવા પડકારો

નવા કેડેટ્સને સંબોધિત કરતા આર્મી ચીફે કહ્યું કે આજની સુરક્ષા સામેના પડકારો બદલાયા છે. હવે દુશ્મન હંમેશા વર્દીમાં કે જાહેર મોરચે નથી આવતો. ગ્રે ઝોન, હાઇબ્રિડ યુદ્ધ અને ટેક્નોલોજી આધારિત આધુનિક લડાઈના યુગમાં સૈનિકોએ શારીરિક ક્ષમતાની સાથે બૌદ્ધિક રીતે પણ ખુબ ઝડપી બનવું પડશે. તેમણે ઉમેર્યું કે ઓપરેશન સિંદૂરે સાબિત કર્યું છે કે જ્યારે ભારત વળતો જવાબ આપે છે ત્યારે તે સચોટ અને અત્યંત અસરકારક હોય છે.

ત્રણેય સેનાઓની એકતાની તાકાત

મે 2025 ના સફળ સૈન્ય ઓપરેશનનો ઉલ્લેખ કરતા સેના વડાએ જણાવ્યું કે તેમાં આર્મી, એરફોર્સ અને નેવીએ સંપૂર્ણ તાલમેલ સાથે આતંકીઓના ટ્રેનિંગ કેમ્પ અને કમાન્ડ સેન્ટરોને ધ્વસ્ત કર્યા હતા. આ સફળતા એનડીએમાં શીખવવામાં આવતી 'જૉઇન્ટનેસ' (ત્રણેય સેનાઓની એકતા) નું પરિણામ હતી. ભવિષ્યમાં યુદ્ધ જીતવા માટે મહિલા અને પુરુષ તમામ સૈનિકોએ ખભેથી ખભા મિલાવીને કામ કરવું પડશે. આ સંબોધન દ્વારા આર્મી ચીફે સ્પષ્ટ કર્યું છે કે ભારત હવે માત્ર આત્મરક્ષણ નહીં, પરંતુ જરૂર પડ્યે દુશ્મનના ઘરમાં ઘૂસીને આક્રમક પ્રહાર કરવાની નવી સૈન્ય નીતિ પર મક્કમ છે.

આ પણ વાંચો:Ahmedabad : જ્યોર્જિયામાં ગુમ થયેલા મેડિકલના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ મૃત હાલતમાં મળતા ખળભળાટ