ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે તાજિકિસ્તાનના દુશાન્બેમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારની હાજરીમાં તેમણે કહ્યું કે આતંકવાદ સામે કોઈ બહાનું કે બેવડાં ધોરણો ન ચાલે. આતંકવાદીઓને પૈસા, મદદ કે સુરક્ષિત આશ્રય આપનારાઓ માટે પણ કોઈ સ્થાન ન હોવું જોઈએ. 20 ઓક્ટોબરે યોજાયેલી SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટની 25મી બેઠકમાં રાજનાથ સિંહે તમામ સભ્ય દેશોને આતંકવાદના સમગ્ર માળખાને સાથે મળીને અને મજબૂતીથી ખતમ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદ માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી લેતો, પરંતુ વેપાર, રોકાણ અને યુવાનોની તકોને પણ નુકસાન પહોંચાડે છે.

‘આતંકવાદ સામે કોઈ બેવડાં ધોરણો ન ચાલે’

રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે આતંકવાદ શાંતિ અને વિકાસ સામેના સૌથી મોટા જોખમોમાંથી એક છે. તેનો સામનો કરવા માટે તમામ દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. આતંકવાદીઓને આર્થિક મદદ કરનારા, તેમને ટેકો આપનારા કે સુરક્ષિત આશ્રય આપનારા લોકો સામે પણ કાર્યવાહી જરૂરી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર પણ હાજર હતા. રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કોઈ દેશનું નામ લીધા વિના આતંકવાદ સામે સામૂહિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

https://x.com/rajnathsingh/status/2112437329940131866?s=20

પાકિસ્તાનને લઈને 15 ઓક્ટોબરના નિવેદનનો પણ ઉલ્લેખ

રાજનાથ સિંહે દિલ્હીમાં 15 ઓક્ટોબરે આપેલા પોતાના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી ભવિષ્યમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો તેનો વધુ કડક જવાબ આપવામાં આવશે. SCOની બેઠકમાં તેમણે આતંકવાદ સામે કડક અને સામૂહિક પગલાં ભરવાની ભારતની વાત ફરી રજૂ કરી હતી.

વેપાર અને આર્થિક સહયોગ વધારવા પર પણ ભાર

આતંકવાદ ઉપરાંત રાજનાથ સિંહે SCOના સભ્ય દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહયોગ વધારવાની વાત પણ કરી હતી. તેમણે 2026થી 2030 માટેના બહુપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ કાર્યક્રમને ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે આર્થિક સહયોગ એવો હોવો જોઈએ, જે તમામ સભ્ય દેશો માટે ફાયદાકારક બને. આ માટે મજબૂત સપ્લાય ચેઇન બનાવવી, વેપાર અને રોકાણ વધારવું તથા વિકાસ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. રાજનાથ સિંહે તાશકંદમાં આવેલા યુનિવર્સલ સેન્ટર અને દુશાન્બેમાં આવેલા એન્ટી-ડ્રગ સેન્ટરને SCOની કાયમી સંસ્થાઓ બનાવવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું હતું.

કનેક્ટિવિટી માટે તમામ દેશોની સંપ્રભુતાનું સન્માન જરૂરી

રાજનાથ સિંહે કહ્યું કે દેશો વચ્ચે જોડાણ વધારવાના પ્રોજેક્ટ બનાવતી વખતે તમામ દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જોઈએ. ભારત એવા જોડાણનું સમર્થન કરે છે, જે વેપારને સરળ બનાવે અને વિકાસની નવી તકો ઊભી કરે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવા પ્રોજેક્ટમાં સંબંધિત દેશોની સંમતિ અને તેમના અધિકારોનું સન્માન જરૂરી છે. SCOની બેઠકમાં સુરક્ષા, વેપાર, રોકાણ અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: PM મોદીએ કર્યું રાવણ દહન, કહ્યું- દેશના દુશ્મનો સામે સૌએ સાથે મળીને લડવું પડશે