supreme courtના જસ્ટિસ દીપાંકર દત્તાએ બુધવારે કહ્યું કે એવી ધારણા ખોટી છે કે માત્ર જજ જ જજની નિમણૂક કરે છે. દત્તાએ કહ્યું કે કોલેજિયમ એક એવી સિસ્ટમ છે, જે નિર્ણય લે છે અને તે નિર્ણય કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. કેન્દ્રની મંજૂરી વિના જજોની નિમણૂક કરી શકાતી નથી. મંજૂરીની પણ એક લાંબી પ્રક્રિયા છે, જે સરકાર સારી રીતે જાણે છે.
જસ્ટિસ દત્તાની ચૂંટણી કમિશનરો પર ટિપ્પણી
લાઈવ લૉના અહેવાલ મુજબ, જસ્ટિસ દીપાંકર દત્તાએ ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત મામલે ચુકાદો સંભળાવતા આ ટિપ્પણી કરી હતી. દત્તાની આ ટિપ્પણીને સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ સાથે જોડીને જોવામાં આવી રહી છે. સુનાવણી દરમિયાન મહેતાએ કહ્યું હતું કે જજ જ જજની નિમણૂક કરે છે, તેમ છતાં ભારતમાં જજોને નિષ્પક્ષ માનવામાં આવે છે.
નિમણૂકમાં સરકાર અને ગુપ્તચર એજન્સીની મહત્વની ભૂમિકા
જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે જજોની નિમણૂકના મામલે ભલે કોલેજિયમ નામોની ભલામણ કરે છે, પરંતુ તેમાં કાર્યપાલિકા એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની પણ મહત્વની ભૂમિકા હોય છે. જસ્ટિસ દત્તાએ આગળ કહ્યું કે ગુપ્તચર એજન્સી પણ જજોની યોગ્યતા અંગે રિપોર્ટ તૈયાર કરે છે. ત્યારબાદ મંજૂરી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ઘણા મામલામાં કોલેજિયમની ભલામણ સ્વીકારવામાં આવતી નથી અથવા તેને અટકાવી રાખવામાં આવે છે. તેમ છતાં કોલેજિયમ કંઈ કરી શકતું નથી. કોલેજિયમની કોશિશ સિસ્ટમને યોગ્ય રીતે ચલાવવાની છે, જેથી કોઈ વિવાદ ન થાય.
જજોની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે?
કોલેજિયમ પાસે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજોની નિમણૂક કરવાની સત્તા છે. આ હેઠળ કોલેજિયમ નક્કી નિયમો મુજબ જજોના નામોની ભલામણ કાયદા મંત્રાલયને મોકલે છે. ત્યારબાદ કાયદા મંત્રાલય રાજ્ય અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા જજો વિશે માહિતી એકત્ર કરે છે. અંતે જજોની નિમણૂક સાથે જોડાયેલી ફાઈલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. જસ્ટિસ દત્તાનું કહેવું છે કે કોલેજિયમની કોશિશ ભૂલ ન કરવાની હોય છે. જોકે, આ સિસ્ટમ માણસો દ્વારા ચલાવવામાં આવી રહી છે, તેથી ઘણી વખત ભૂલ થઈ જાય છે.
હવે જાણો કોલેજિયમ સિસ્ટમ શું છે?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને 4 વરિષ્ઠ જજોની એક ટીમને કોલેજિયમ કહેવામાં આવે છે. તેનું કામ જજોની નિમણૂક, બઢતી અને જજો સાથે જોડાયેલા જરૂરી મામલાઓને ઉકેલવાનું છે. કોલેજિયમ પાસે જજોની બદલી કરવાની સત્તા પણ છે. કોલેજિયમની ભલામણ પર જ હાઈ કોર્ટના જજોને કોઈ કેસમાંથી હટાવવામાં આવે છે.
આ પણ વાંચો: 2700ની દવા 27000માં..! કેન્સરના દર્દીઓ સાથે કરાતી ખુલ્લેઆમ લૂંટ પર સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘દિનદહાડે ડકૈતી’