બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહની નાની દીકરી શિવાંગીનાં લગ્ન 25 નવેમ્બરે યોજાવાનાં છે. લગ્નને લઈને નદવા સ્થિત તેમના પૈતૃક ગામમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

મહેમાનોના સ્વાગતથી લઈને ભોજન અને મનોરંજન સુધીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, વરસાદે અનંત સિંહની ચિંતા વધારી દીધી છે. લગ્નની તૈયારીઓ વિશે વાત કરતી વખતે તેઓ થોડા નિરાશ જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે પોતાના તરફથી લગ્નની તમામ તૈયારીઓ કરી હતી, પરંતુ વરસાદને કારણે આખી વ્યવસ્થા પર પાણી ફરી વળ્યું છે.

ઘોડદોડ સ્પર્ધા પર પણ વરસાદની અસર

અનંત સિંહે જણાવ્યું કે લગ્નમાં 16 મહેમાનો હેલિકોપ્ટર દ્વારા આવવાના હતા. તેમના ઉતરવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ વરસાદને કારણે મેદાનની જમીન ભીની થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હેલિકોપ્ટર ઉતારવામાં મુશ્કેલી પડી શકે છે.

લગ્નમાં યોજાનારી ઘોડદોડ સ્પર્ધા પર પણ વરસાદની અસર થવાની શક્યતા છે. આ સ્પર્ધા માટે અનેક ઘોડાઓ નદવા ગામમાં પહોંચી ચૂક્યા છે. સ્પર્ધામાં વિજેતા થનાર ઘોડેસવારને થાર કાર ઇનામમાં આપવાની છે. જોકે, મેદાનમાં કાદવ અને ભીની માટીને કારણે સ્પર્ધા યોજવામાં મુશ્કેલી પડી શકે છે.

અનંત સિંહે આશા વ્યક્ત કરી છે કે હવામાન સુધરશે તો તૈયારીઓ ફરી વેગ પકડશે. હાલ પરિવાર અને આયોજન સાથે જોડાયેલા લોકો વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે.

બિહારમાં કેમ બગડ્યું હવામાન?

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાતી તોફાન 'અકવાન'ને કારણે બિહારનું હવામાન બગડ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પૂર્ણિયા, પટના અને મુંગેર સહિત અનેક જિલ્લાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થઈ રહ્યો છે.

શિયાળાની ઋતુમાં અચાનક પડેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી રહી છે. મોકામામાં પણ વરસાદને કારણે અનંત સિંહની દીકરીનાં લગ્નની તૈયારીઓ પ્રભાવિત થઈ છે.

લગ્નમાં 4 લાખ મહેમાનો આવવાની શક્યતા

અહેવાલો અનુસાર, બિહારના આ ભવ્ય લગ્ન સમારોહમાં લગભગ ચાર લાખ મહેમાનો હાજરી આપી શકે છે. મહેમાનો માટે અનેક એકર જમીનમાં વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. VIP મહેમાનો માટે હેલિકોપ્ટરથી આવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ માટે લગ્ન સ્થળની આસપાસ હેલિપેડ બનાવવામાં આવી રહ્યાં છે.

દીકરીના લગ્નમાં અનંત સિંહે પોતાના ભાવિ જમાઈ ઋષિકેશ કુમારને તિલક વિધિ દરમિયાન અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાની લેન્ડ રોવર ડિફેન્ડર કાર ભેટમાં આપી છે.

આ પણ વાંચો:Amit Shahએ બતાવી સરહદી ગામોની બદલાતી તસવીર - 40 ગામોમાં વધી વસ્તી, લોકોનું પલાયન અટક્યું!