રાષ્ટ્રીય ડેસ્ક: આધુનિક ખેતીના નામે છેલ્લા કેટલાક દાયકાઓથી ખેતરોમાં જે રસાયણો ઠાલવવામાં આવી રહ્યા છે, તે હવે માણસ અને જમીન બંને માટે 'સાયલન્ટ કિલર' સાબિત થઈ રહ્યા છે. આવું જ એક વિવાદાસ્પદ અને અત્યંત ખતરનાક ખરપતવારનાશક (નિંદામણ નાશક) કેમિકલ છે 'ગ્લાયફોસેટ' (Glyphosate). વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની કેન્સર સંશોધન એજન્સી IARC એ ૨૦૧૫માં જ આ કેમિકલને "મનુષ્યો માટે સંભવિત કેન્સરકારક" (Probably Carcinogenic) જાહેર કર્યું હતું. આમ છતાં, મલ્ટીનેશનલ કંપનીઓની નફાખોરી અને સરકારી નિયમનકારોની ઉદાસીનતાને કારણે આ ઝેર ભારતીય બજારોમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, જે આપણા અન્નદાતાઓને સીધા મોતના મુખમાં ધકેલી રહ્યું છે.
30થી વધુ દેશોમાં પ્રતિબંધ, અમેરિકામાં અબજોનો દંડ
જો આ કેમિકલ સુરક્ષિત છે, તો વિશ્વના ૩૦ થી વધુ દેશોએ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ લગાવ્યો છે? વિયેતનામ, ઓસ્ટ્રિયા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને નેધરલેન્ડ જેવા દેશોએ તેના ઉપયોગ પર કડક કાનૂની મનાઈ ફરમાવી દીધી છે. અમેરિકાની અદાલતોમાં આ કેમિકલના કારણે 'નૉન-હોજકિન લિમ્ફોમા' (એક પ્રકારનું બ્લડ કેન્સર) થવાના એક લાખથી વધુ કેસ નોંધાયા છે. તેની મૂળ ઉત્પાદક કંપનીને ખરીદનારી જર્મન ફાર્માસ્યુટિકલ કંપની 'બાયર' (Bayer) અત્યાર સુધીમાં પીડિતોને આશરે ૯૧,૦૦૦ કરોડ રૂપિયા (૧૧ અબજ ડોલર) નું હર્જાનું ચૂકવી ચૂકી છે.
ખેડૂતો સાથે ઠગાઈ
ગ્લાયફોસેટનો બિઝનેસ મોડેલ ડ્રગ્સ વેચવા જેવો છે. ખેડૂત દર વર્ષે હજારો રૂપિયા ખર્ચીને આ કેમિકલનો છંટકાવ કરે છે, પરંતુ થોડા સમય પછી ઘાસ વધુ આક્રમક બનીને પાછું આવે છે. પ્રકૃતિએ આ ઝેર સામે પોતાની જાતને ઢાળી દીધી છે, જેના કારણે ખેતરોમાં હવે 'સુપરવીડ્સ' (એવું ઘાસ જેના પર કોઈ કેમિકલ અસર કરતું નથી) પેદા થઈ ગયું છે. કંપનીઓ દર વખતે વધુ તેજ અને મોંઘા કેમિકલ ખરીદવાની સલાહ આપે છે. આ કેમિકલ વરસાદના પાણી સાથે વહીને નદીઓ અને ભૂગર્ભ જળમાં ભળે છે, જે પીવાના પાણીને પણ ઝેરી બનાવી રહ્યું છે.
સરકારી આદેશ અને કંપનીઓનો કાનૂની દાવપેચ
ભારતમાં કાયદેસર રીતે ગ્લાયફોસેટને માત્ર ચાના બગીચાઓ અને બિન-પાક વિસ્તારોમાં જ વાપરવાની મંજૂરી છે. પરંતુ, મજૂરોની અછતના કારણે સામાન્ય ખેડૂતો શાકભાજી અને ડાંગરના ખેતરોમાં પણ તેનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય ખેડૂતો કોઈ પણ સુરક્ષાત્મક ગિયર (માસ્ક, ગ્લોવ્ઝ કે ખાસ સૂટ) વગર તેનો છંટકાવ કરે છે, જેથી તે સીધો શ્વાસ અને ત્વચાના સંપર્કમાં આવે છે.
આ જોખમને જોતા કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ઓક્ટોબર ૨૦૨૨માં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે મુજબ કોઈ પણ સામાન્ય ખેડૂત આ કેમિકલ સીધું ખરીદીને સ્પ્રે નહીં કરી શકે. તેનો છંટકાવ માત્ર લાયસન્સ ધરાવતા 'પેસ્ટ કંટ્રોલ ઓપરેટરો' (PCOs) દ્વારા જ કરવામાં આવશે. આ નિયમ આવતા જ એગ્રોકેમિકલ કંપનીઓની લોબીએ પોતાના નફાને બચાવવા દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા. ગ્રામીણ વિસ્તારોમાં પીસીઓ માળખું ન હોવાની દલીલ આપીને કંપનીઓએ નવેમ્બર ૨૦૨૨માં આ આદેશ પર વચગાળાનો સ્ટે મેળવી લીધો.
કૃષિ મંત્રાલયનું ઢીલું વલણ
આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય રીતે હાઈકોર્ટના ચુકાદાઓ સામે ૨૪ કલાકમાં સુપ્રીમ કોર્ટ પહોંચતી કેન્દ્ર સરકાર આ મામલે સાવ ઢીલી પડી ગઈ. જુલાઈ ૨૦૨૩ અને ફેબ્રુઆરી ૨૦૨૪ની સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ કોર્ટમાં લેખિત આશ્વાસન આપ્યું કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે, ત્યાં સુધી સરકાર પીસીઓ વાળો આદેશ જબરદસ્તી લાગુ નહીં કરે. પરિણામે, ખેડૂતોના સ્વાસ્થ્ય રક્ષણ માટેની આ નીતિ ઠંડા બસ્તે ચાલી ગઈ છે. કંપનીઓ નફો કમાઈ રહી છે અને દેશનો અન્નદાતા બિનઅસરકારક સરકારી નીતિઓ અને કોર્પોરેટ લોબિંગના કારણે આ ઝેરનો ભોગ બની રહ્યો છે.
આ પણ વાંચો:Italy Tourism:આ દેશના પ્રખ્યાત બીચ પર છતરી લગાવવા પર પ્રતિબંધ