ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે ઢાકાની ઔપચારિક માંગની સમીક્ષા શરૂ કરી દીધી છે. શુક્રવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદાકીય અને ન્યાયિક માળખા હેઠળ આગળ વધી રહી છે. 2024માં બાંગ્લાદેશમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હસીના સરકાર પડી ભાંગી હતી, ત્યારબાદ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. ત્યારથી તેઓ ભારતમાં રહી રહ્યા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પ્રત્યાર્પણની વિનંતીનું ઊંડાણપૂર્વક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ મામલો ન્યાયિક અને આંતરિક કાયદાકીય પ્રક્રિયાઓ હેઠળ વિચારણા હેઠળ છે. અમે તમામ પક્ષો સાથે રચનાત્મક રીતે જોડાયેલા રહીશું અને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
બાંગ્લાદેશ સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ
જાયસવાલે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ભારત 'જુલાઈ ક્રાંતિ' ના નાટકીય રાજકીય ફેરફારો પછી ઢાકાની નવી રચાયેલી સરકાર સાથે તેની ભાગીદારીને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત બાંગ્લાદેશ સાથેના તેના સંબંધોને સ્થિર અને મજબૂત જાળવી રાખવાની દિશામાં કામ કરી રહ્યું છે.
કાયદાકીય પ્રક્રિયાઓ હેઠળ તપાસ
રણધીર જાયસવાલે કહ્યું, ‘શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે એક વિનંતી મળી છે, જેની અમારી ન્યાયિક અને આંતરિક કાયદાકીય પ્રક્રિયાઓ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સત્તાવાર ચર્ચા થવાની પણ આશા છે.’
2024 થી ભારતમાં છે શેખ હસીના
ભારતે 2025માં પ્રત્યાર્પણની વિનંતી મળી હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ હવે ભારતની ન્યાયિક વ્યવસ્થા હેઠળ તેની ગહન સમીક્ષા કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, જાયસવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રક્રિયા આંતરિક કાયદાકીય પ્રોટોકોલને આધીન છે. ઓગસ્ટ 2024માં સત્તા પરથી હટાવ્યા બાદ હસીના ભારતમાં જ છે અને તેમને લઈને માહોલ સંવેદનશીલ બન્યો છે.
દ્વિપક્ષીય સંબંધોને પ્રભાવિત થવા દેવામાં નહીં આવે
આગળ વધતા જાયસવાલે બંને દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી ગતિવિધિઓ પર પ્રકાશ પાડતા કહ્યું, ‘હું એ પણ દોહરાવવા માંગુ છું કે વિદેશ મંત્રીએ નવી સરકાર સાથે રચનાત્મક રીતે વાતચીત કરવાની અને પરસ્પર મૂલ્યોને વધુ મજબૂત કરવાની ભારતની ઈચ્છા વ્યક્ત કરી છે. બંને પક્ષો સંબંધિત દ્વિપક્ષીય તંત્ર દ્વારા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના પ્રસ્તાવો પર વિચાર કરવા સંમત થયા છે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને પક્ષોના વિચારો જાણવા માટે ટૂંક સમયમાં સત્તાવાર બેઠકો યોજાય તેવી અપેક્ષા છે’.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નવી સરકાર સાથેના સંબંધો સામાન્ય રીતે ચાલુ રહેશે અને કોઈપણ વ્યક્તિગત મુદ્દાને કારણે દ્વિપક્ષીય સંબંધો પર અસર થવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Iran-US Tension: ઈરાનમાં ટ્રમ્પનો ભારે વિરોધ, મહિલાઓએ પણ હથિયાર ઉપાડ્યા, હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા