યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારા પર આ દિવસોમાં રેકોર્ડબ્રેક ઠંડી અને ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. હવામાન વિભાગે આ તોફાનને “ઐતિહાસિક વિન્ટર સ્ટોર્મ” તરીકે વર્ણવ્યું છે. ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને આસપાસના વિસ્તારોમાં ભારે બરફ, થીજી ગયેલો વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે.

Air Indiaનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થવાની આશંકા છે. રસ્તાઓ પર બરફ જામવાથી ટ્રાફિક ઠપ્પ થવાની, વીજ પુરવઠો ખોરવાવાની અને મુસાફરીમાં મોટા વિક્ષેપની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર હવામાન સ્થિતિને ધ્યાનમાં રાખીને Air Indiaએ 25 અને 26 જાન્યુઆરીએ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ માટે જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરલાઇનનું કહેવું છે કે મુસાફરો અને ક્રૂની સલામતી તેમની પ્રથમ પ્રાથમિકતા છે.

મુસાફરો માટે મહત્વની સલાહ

Air Indiaએ પોતાની ટ્રાવેલ એડવાઈઝરીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ દિવસોમાં યુએસ ઇસ્ટ કોસ્ટ પર ફ્લાઇટ કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. તેથી આગોતરા પગલાં તરીકે ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઇને મુસાફરોને સલાહ આપી છે કે તેઓ પોતાની ફ્લાઇટની તાજી માહિતી માટે Air Indiaની સત્તાવાર વેબસાઇટ અથવા ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરે. ટિકિટ રી-શેડ્યુલિંગ, રિફંડ અથવા અન્ય વિકલ્પોની માહિતી ત્યાંથી મેળવી શકાય છે.

અમેરિકામાં કટોકટીની સ્થિતિ

USની નેશનલ વેધર સર્વિસ (NWS)એ જણાવ્યું છે કે આ તોફાન મધ્ય મેદાનોથી લઈને ઉત્તરપૂર્વના વિસ્તારો સુધી લાખો લોકોને અસર કરી શકે છે. અનેક રાજ્યોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે અને FEMA (ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી)ને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપીને જણાવ્યું છે કે ફેડરલ અને સ્થાનિક એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂર પડે ત્યારે તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે.

https://twitter.com/airindia/status/2014956332147986796

હવામાન નિષ્ણાતોની ચેતવણી

હવામાન નિષ્ણાતોએ લોકોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરે અને સત્તાવાર હવામાન અપડેટ્સ પર સતત નજર રાખે. Air India ઉપરાંત અન્ય અનેક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાની ફ્લાઇટ કામગીરી મર્યાદિત અથવા રદ કરી છે.

આ પણ વાંચો : Post Office Scheme: ઘરે બેઠા દર મહિને ₹20,500 કમાવો, ભવિષ્યની ચિંતા થશે દૂર