લોકસભામાં મહિલા અનામત બિલનો પરાજય થયો, અને સીમાંકન બિલ પણ પસાર થવામાં નિષ્ફળ ગયું. 17 એપ્રિલના રોજ લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકનને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. અંતે આ વિપક્ષ દ્વારા સમર્થન ના અપાતા મહિલા અનામત બિલ કાનૂન રીતે લાગુ થશે નહી. પીએમ મોદીના શાસન બાદ આ પહેલું બિલ હતું જે પસાર કરવામાં સરકાર નિષ્ફળ ગઈ. શિસ્તબદ્ધ અને આયોજનપૂર્વક ચાલતો પક્ષ ભાજપ આખરે આ બિલમાં કયાં ફસાયો. પીએમ મોદીની સરકાર આ બિલ કેમ પસાર કરવામાં અસમર્થ રહી. લોકસભામાં એવું શું બન્યું કે મોદી સરકારની ગણતરીઓ ઉલટી પડી. આવો જાણીએ અને સમજીએ.

મહિલા અનામત બિલ માટે NDAને સંખ્યાબળ ઓછું પડયું

લોકસભામાં રજૂ કરવામાં આવેલું મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બે-તૃતિયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ માટે બંધારણીય સુધારાની જરૂર પડે છે. બંધારણીય ફેરફારો માટે "વિશેષ બહુમતી" અથવા બે તૃતીયાંશ મતોની જરૂર પડે છે. NDA પાસે બહુમતી છે, પરંતુ જાદુઈ બે તૃતીયાંશ મત સુધી પહોંચવાની શક્તિનો અભાવ છે. તેથી, આ બિલ પસાર કરવા માટે, સરકારને વિરોધ પક્ષોના સમર્થનની જરૂર હતી, જે તે મેળવવામાં નિષ્ફળ ગઈ. બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મતો પડ્યા હતા, જેના કારણે સરકાર બહુમતીના આંકડાથી 54 મતો છેટી રહી ગઈ હતી.

સીમાંકન અને વસ્તી ગણતરીની શરતો

મહિલા અનામત બિલમાં એવી જોગવાઈ છે કે અનામત આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદ બેઠકોના સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે. સરકારે સીમાંકનનું ગણિત સમજાવ્યું, પરંતુ વિપક્ષે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. કોંગ્રેસ અને અન્ય અખિલ ભારતીય જોડાણ પક્ષોએ આરોપ લગાવ્યો કે સરકાર સીમાંકન લાગુ કરીને રાજકીય કાવતરું કરવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષે એવી પણ દલીલ કરી હતી કે સરકાર સીમાંકનને 2029 અથવા તેના પછી સુધી મુલતવી રાખવા માંગે છે, જ્યારે તે તાત્કાલિક લાગુ કરી શકાયું હોત.

વિપક્ષની ક્વોટાની અંદર ક્વોટાની માંગ

વિપક્ષી પક્ષોએ પણ મહિલા અનામત ક્વોટામાં ખાસ ક્વોટાની માંગ કરી હતી. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ મુસ્લિમ મહિલાઓ માટે અલગ અનામતની માંગ કરી હતી. જયારે કોંગ્રેસે 33% અનામતમાં OBC મહિલાઓ માટે અલગ ક્વોટા સ્થાપિત કરવામાં આવે અને તેને જાતિ વસ્તી ગણતરી સાથે જોડવામાં આવે તેવી માગ કરી હતી. જેને લઈને સરકારે સ્પષ્ટતા કરી હતી કે બંધારણમાં ધર્મના આધારે અનામતની જોગવાઈ નથી. વધુમાં, સરકારે OBC અનામતની માંગને પણ નકારી કાઢી હતી.

દક્ષિણ વિરુદ્ધ ઉત્તરિય વિસ્તાર મતભેદ

જ્યારે બિલ પર ચર્ચા શરૂ થઈ, ત્યારે દક્ષિણ વિરુદ્ધ ઉત્તરનો એક કિસ્સો પણ ઉભરી આવ્યો. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ બિલ લાગુ થશે તો દક્ષિણના રાજયોને નુકસાન થશે. આથી દક્ષિણ ભારતીય રાજ્યોને ડર છે કે જો વસ્તીના આધારે સીમાંકન કરાશે તો તેમની લોકસભા બેઠકો ઓછી થશે. દક્ષિણ રાજ્યોના સાંસદોને ડર લાગ્યો કે બિલ પસાર થતા વધુ વસ્તી ધરાવતા ઉત્તર ભારતીય રાજ્યો સંસદમાં પ્રભુત્વ મેળવશે. ડીએમકે જેવા વિરોધ પક્ષો આ બિલને દક્ષિણ વિરુદ્ધ ષડયંત્ર તરીકે ગણવતા હોવાથી સમર્થન આપવાથી દૂર રહ્યા હતા.

મહિલા અનામત બિલ નિષ્ફળ, છતાં મત મેળવવા બંને પક્ષો જોર લગાવશે

મહિલા અનામત બિલ પસાર ના થતા ભાજપ અને તેમના સમર્થક પક્ષ દ્વારા આજે શનિવારના દિવસે વિરોધ કરવામાં આવ્યો. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બંને પક્ષો મહિલાઓના હિતેચ્છુ હોવાના સાબિત કરી મત લેવા એડીચોટીનું જોર લગાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મહિલા અનામત બિલને લઈને અગાઉથી જ વિપક્ષના વલણ સામે આડકતરો ઈશારો કરી દીધો હતો. આગામી દિવસોમાં કોંગ્રેસને આ બિલનો વિરોધ ભારે પડશે કે પછી લાભ કરશે તે સમય કહેશે.


આ પણ વાંચો : Women Reservation Bill 2026 : મહિલા અનામત બિલ મુદ્દે ભાજપનું શનિવારથી ભાજપનું દેશવ્યાપી આંદોલન