21 જૂન, 2026 ના રોજ સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી રહ્યું છે. આ વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે હજારો લોકો સાથે સામૂહિક યોગાભ્યાસ કરીને યોગનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "યોગ ફક્ત શારીરિક આસનો પૂરતો સીમિત નથી, પરંતુ તે માનવ એકતાનો મજબૂત પાયો છે."
બંગાળની આ ધરતી આધ્યાત્મિકતાનું કેન્દ્રઃ પીએમ મોદી
વડાપ્રધાને કોલકાતાની પવિત્ર ભૂમિને નમન કરતા કહ્યું કે, બંગાળની આ ધરતી આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. અહીં જ ભગવાન રામકૃષ્ણ પરમહંસ જેવા સંતોએ જન્મ લીધો, સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને યોગથી પરિચિત કરાવ્યા અને મહર્ષિ અરવિંદ જેવા મહાન યોગીએ યોગને જીવન જીવવાની કળા તરીકે રજૂ કરી. આજે આ ભૂમિ પર સામૂહિક યોગનો અનુભવ એક અનોખી આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરે છે.
યોગ કોઈ ચોક્કસ વય જૂથ સુધી મર્યાદિત નથી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે યોગ કોઈ ચોક્કસ વય જૂથ સુધી મર્યાદિત નથી. તેમણે મહર્ષિ અરવિંદના શબ્દોને યાદ કરતા જણાવ્યું કે આપણું સમગ્ર જીવન જ યોગ છે, ભલે આપણે તેનો અહેસાસ કરીએ કે ન કરીએ. જ્યારે યોગ આપણા સ્વભાવનો એક અભિન્ન હિસ્સો બની જાય છે, ત્યારે તે માનવ એકતાનું માધ્યમ બને છે. યોગ આજે માત્ર વ્યક્તિગત જીવનશૈલી માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઉજ્જવળ અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે અનિવાર્ય છે.
ભારતની જનતાને યોગ દિવસની આપી શુભેચ્છાઓ
ભારતના હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી અને પૂર્વમાં સૌરાષ્ટ્રથી લઈને પૂર્વોત્તરના વિસ્તારો સુધી, સમગ્ર દેશ આજે યોગની ચેતનાથી ભરેલો જોવા મળ્યો. પીએમ મોદીએ વિશ્વના તમામ નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વિશેષ થીમ "સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ"
આ વર્ષના યોગ દિવસની વિશેષ થીમ "સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ" (Yoga for Healthy Ageing) રાખવામાં આવી છે. આ થીમ જીવનના દરેક તબક્કે, ખાસ કરીને વધતી વય સાથે પણ કેવી રીતે સ્વસ્થ, સક્રિય અને તંદુરસ્ત જીવન જીવી શકાય તે અંગેની જાગૃતિ પર ભાર મૂકે છે. 21 જૂન, જે વર્ષનો સૌથી લાંબો દિવસ છે, તેને આજે વિશ્વની સૌથી મોટી સામૂહિક ઉજવણી તરીકે સ્થાપિત કરવામાં આવી છે. યોગના આ મહાસાગરમાં જોડાવાથી માનવજાત ચોક્કસપણે એક તંદુરસ્ત અને એકતાના માર્ગે આગળ વધી શકે છે, જે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
આ પણ વાંચોઃ International Yoga Day 2026 : બાળકો માટે આ યોગાસન બેસ્ટ, હાઈટ વધશે અને મગજ પણ તેજ થશે