દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે. 'સ્વસ્થ બુઢાપા માટે યોગ' આ વર્ષની થીમ છે. ફિટનેસ જાળવવા અને માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા યોગ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજકાલ લોકોમાં ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું છે. એટલે જ સ્વસ્થજીવનશૈલી અપનાવી યોગ દ્વારા રોગ ભગાડી શકીએ છીએ. પુખ્તવયના લોકો કે પછી વૃદ્ધાવસ્થામાં સમસ્યા બાદ યોગ કરવા તે જરૂરી નથી. ભવિષ્યને ઉજ્જવળ બનાવવવા બાળકોને શરૂઆતથી જ યોગ કરવાની તાલીમ આપી શકાય છે. આજે જયાં દરેક બાબતમાં સ્પર્ધા થવા લાગી છે ત્યારે બાળકોનું મગજ તેજ કરવા અને હાઈટ વધારવા આ યોગાસન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
બાળકો માટે આ છે બેસ્ટ યોગાસન ફાયદાકારક
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગાસન એક સર્વશ્રેષ્ઠ અને કુદરતી માધ્યમ છે. નિયમિત યોગ કરવાથી બાળકોમાં ગ્રોથ હોર્મોન્સ (Growth Hormones) સક્રિય થાય છે, જેનાથી હાઈટ (ઊંચાઈ) વધે છે અને મગજમાં લોહીનું પરિભ્રમણ વધવાથી યાદશક્તિ અને એકાગ્રતા (Brain Power) તેજ થાય છે. યોગ દ્વારા બાળકોમાં નિયમિતતા અને સંતુલન જાળવવાનો વિકાસ થશે. જેથી તેમને ઉચ્ચ પરીક્ષાના ડર લાગશે નહી. બાળકોનું મગજ તેજ કરવા અને હાઈટ વધારવા તમે નિયમિત આ યોગ કરાવી શકો છો.
હાઈટ વધારવાનું શ્રેષ્ઠ આસન
તાડાસન: આ આસનમાં સીધા ઊભા રહીને બંને હાથની આંગળીઓ પરસ્પર ફસાવીને હાથ ઉપર કરો. હવે શ્વાસ લેતા લેતા આખા શરીરને ઉપર તરફ ખેંચો અને પગની એડીઓ હવામાં ઊંચી કરી પંજા પર ઊભા રહો. બાળકોની લંબાઈ વધારવા માટે આ સૌથી રામબાણ આસન છે. આનાથી આખી કરોડરજ્જુ અને પગના સ્નાયુઓ ખેંચાય છે, જે ઊંચાઈ વધારવામાં સીધી મદદ કરે છે.
વૃક્ષાસન : એક પગ પર સીધા ઊભા રહીને બીજા પગના તળિયાને સાથળ પર મૂકો અને બંને હાથ જોડીને પ્રણામ મુદ્રામાં ઉપર તરફ ખેંચો. આ આસનથી શરીરના હાડકાં ખેંચાય છે અને સાથે-સાથે બાળકનું શારીરિક સંતુલન (Balance) અને માનસિક ધ્યાન ખૂબ જ મજબૂત બને છે.
પશ્ચિમોત્તાનાસન : કેવી રીતે કરવું: જમીન પર પગ સામે સીધા રાખીને બેસો. શ્વાસ છોડતા આગળ નમો અને બંને હાથથી પગના અંગૂઠા પકડીને માથું ઘૂંટણને અડાડવાનો પ્રયત્ન કરો. આ આસનથી પીઠ, સાથળ અને કરોડરજ્જુનું મહત્તમ સ્ટ્રેચિંગ થાય છે, જે ગ્રોથ હોર્મોન્સને ઉત્તેજિત કરે છે.
મગજ તેજ કરવા અને એકાગ્રતા વધારવાના આસનો
ભ્રામરી પ્રાણાયામ : કેવી રીતે કરવું: પદ્માસનમાં બેસી આંખો બંધ કરો. અંગૂઠાથી કાન બંધ કરો અને આંગળીઓ આંખો પર હળવેથી મૂકો. ઊંડો શ્વાસ લઈ, મોં બંધ રાખીને મધમાખીની જેમ 'ઊંંં...' (Humming sound) અવાજ કરતા શ્વાસ બહાર કાઢો. આ પ્રાણાયામ બાળકોના મગજને શાંત કરે છે, ગુસ્સો અને સ્ટ્રેસ ઘટાડે છે અને યાદશક્તિ (Memory Power) અદ્ભુત રીતે વધારે છે. પરીક્ષાના સમયે આ બેસ્ટ છે.
શીર્ષાસન અથવા સર્વાંગાસન : કેવી રીતે કરવું: સર્વાંગાસનમાં પીઠના બળે સૂઈને આખા શરીરને (પગ અને કમર) ઉપર તરફ સીધું કરવામાં આવે છે, જેમાં માત્ર ખભા અને માથું જમીન પર રહે છે. જો બાળક નાનું હોય તો શીર્ષાસનની જગ્યાએ સર્વાંગાસન કરાવો. આનાથી મગજ તરફ લોહીનો પ્રવાહ (Blood Circulation) તેજ થાય છે, જેનાથી બુદ્ધિ અને એકાગ્રતા વધે છે.
પદ્માસન અને ધ્યાન : કેવી રીતે કરવું: પલંથી વાળીને ડાબો પગ જમણી સાથળ પર અને જમણો પગ ડાબી સાથળ પર મૂકીને ટટ્ટાર બેસવું અને આંખો બંધ કરીને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ આસનથી બાળકોની ચંચળતા ઓછી થાય છે અને ભણવામાં મન સ્થિર બને છે.
યોગાસન બાળકોનો સર્વાંગી વિકાસમાં મદદરૂપ
જો બાળક પાસે સમય ઓછો હોય, તો તેને રોજ ૫ થી ૧૧ વખત સૂર્ય નમસ્કાર કરાવો. તે ૧૨ આસનોનો સમૂહ છે જે હાઈટ વધારવા, મગજ તેજ કરવા, પાચનક્રિયા સુધારવા અને આખા શરીરને ઉર્જાવાન રાખવા માટે એક કમ્પ્લીટ પેકેજ છે. આ આસનો ખુશી-ખુશી કરે તે માટે તેમની સાથે રમત-રમતમાં યોગની શરૂઆત કરો. બાળકો આ યોગાસ સવારે ખાલી પેટે કરે તો વધુ ફાયદો થશે. કારણ કે આખો દિવસ શાળા અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાથી તેઓ દિવસ દરમિયાન આના માટે સમય આપી શકશે નહી. બાળકોની સાથે જો પરિવારના લોકો સાથે યોગાસન કરશે તો તેમનો ઉત્સાહ વધશે અને અન્ય સભ્યોનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
આ પણ વાંચો : International Yoga Day 2026 : પાણીમાં યોગ કરવાના ગજબના ફાયદા, સાંધાના દુખાવાથી લઈને માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ