પરિવાર અને બાળકો સાથે સમય વિતાવવો એ જીવનની સૌથી સુંદર ક્ષણોમાંની એક છે. જ્યારે આપણે બાળકો સાથે બહાર જવાનું વિચારીએ છીએ, ત્યારે ઉત્સાહની સાથે થોડી ચિંતા પણ હોય છે. દર વર્ષે 18 જૂનના રોજ 'આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ' ઉજવવામાં આવે છે, જે પરિવાર સાથે બહાર જવાનો એક ઉત્તમ અવસર છે. પરંતુ, બાળકો સાથે મુસાફરી કરતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેથી તમારો દિવસ મુશ્કેલી વિના આનંદમાં પસાર થાય. તમારી પિકનિક બેગ વ્યવસ્થિત પેક કરવી એ સફળ સફરની ચાવી છે.
પિકનિક બેગમાં પેક કરવા જેવી 5 ખાસ વસ્તુઓ:
1. પૌષ્ટિક નાસ્તો અને પીણાં: બાળકો રમતમાં ખૂબ શક્તિ વાપરે છે, તેથી તેમને વારંવાર ભૂખ અને તરસ લાગે છે. તમારી બેગમાં ફળો, સેન્ડવીચ, મખાના, ચીઝ જેવો પૌષ્ટિક નાસ્તો અને બિસ્કિટ રાખો. આ ઉપરાંત, ઉનાળાની ગરમીમાં બાળકોને હાઇડ્રેટેડ રાખવા માટે ઘરે બનાવેલા જ્યુસ, મિલ્કશેક કે પાણીની બોટલો સાથે રાખવી અનિવાર્ય છે. બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાકને બદલે ઘરનો તાજો નાસ્તો શ્રેષ્ઠ રહે છે.
2. ફર્સ્ટ એઇડ કીટ (પ્રાથમિક સારવાર): બાળકો રમતી વખતે ખૂબ ઉત્સાહી હોય છે, જેમાં તેમને સામાન્ય ઈજાઓ કે ઉઝરડા થવાની શક્યતા રહે છે. તેથી, એક નાની ફર્સ્ટ એઇડ કીટ હંમેશા સાથે રાખો. તેમાં બેન્ડેજ, એન્ટિસેપ્ટિક ક્રીમ, કોટન અને હેન્ડ સેનિટાઈઝર જેવી પ્રાથમિક વસ્તુઓ રાખો. આ તૈયારી તમને નાની-નાની મુશ્કેલીઓમાં ટેન્શનમુક્ત રાખશે.
3. સૂર્યથી રક્ષણ: ઉનાળામાં સૂર્યના તાપથી બાળકોની નાજુક ત્વચાનું રક્ષણ કરવું જરૂરી છે. પિકનિક બેગમાં સારી ગુણવત્તાનું સનસ્ક્રીન, ટોપી અને ચશ્મા રાખવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત, બાળકો માટે વધારાના કપડાંની એક જોડી ચોક્કસ રાખો, જેથી જો તેઓ રમત દરમિયાન કપડાં ગંદા કે ભીના કરી દે, તો તમે તરત જ તેમને બદલી શકો.
4. મનોરંજનના સાધનો: બાળકો લાંબો સમય એક જગ્યાએ શાંતિથી બેસી શકતા નથી. તેમને વ્યસ્ત રાખવા માટે તેમના મનપસંદ રમકડાં, બોલ, ડ્રોઈંગ કિટ કે નાની રમતો સાથે રાખો. જ્યારે બાળકો કંટાળે અથવા બેચેન થાય, ત્યારે આ રમકડાં તેમને આનંદમાં રાખવા માટે મદદરૂપ થશે.
5. મચ્છર અને જંતુઓથી બચાવ: પિકનિકનું સ્થળ પાર્ક કે કુદરતી વાતાવરણ હોય તો ત્યાં મચ્છર હોવાની શક્યતા વધુ રહે છે. મચ્છર કરડવાથી બાળકોને એલર્જી કે બીમારી થઈ શકે છે. તેથી, મચ્છર ભગાડવાની ક્રીમ (મોસ્કીટો રિપેલન્ટ) કે રોલ-ઓન સાથે રાખવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચોઃ Google: જો ગુગલ પર ભૂલથી પણ સર્ચ કરી આ 6 વસ્તુઓ તો જવું પડશે સીધા જેલ!