આજના આધુનિક યુગમાં, ગુગલ આપણી જિજ્ઞાસા સંતોષવાનું સૌથી મોટું સાધન બની ગયું છે. નાની એવી બાબતથી લઈને ગહન સંશોધન સુધી, આપણે દરેક વસ્તુ માટે ગુગલ પર નિર્ભર છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી આંગળીના વેઢે રહેલી આ ટેકનોલોજી કેટલીકવાર જોખમી સાબિત થઈ શકે છે? કેટલીક માહિતી શોધવી તમને કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે, તો કેટલીક શોધ તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે. ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવા માટે તમારે નીચેની 6 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
1. ગેરકાયદેસર અને હિંસક માહિતી:
ક્યારેય પણ બોમ્બ, વિસ્ફોટકો, શસ્ત્રોના નિર્માણની પદ્ધતિ કે ગેરકાયદેસર ડ્રગ્સ વિશે સર્ચ ન કરો. આવી શોધ સુરક્ષા એજન્સીઓની નજરમાં આવી શકે છે અને તમારા પર કાનૂની તપાસ બેસી શકે છે. આ સિવાય, બાળકો સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની વાંધાજનક કે અનૈતિક સામગ્રી શોધવી એ અત્યંત ગંભીર ગુનો છે, જેના માટે જેલની સજા પણ થઈ શકે છે.
2. છેતરપિંડીથી બચો:
"ઝડપથી પૈસા ડબલ કરો" કે "ગેરંટીકૃત ઉંચું વળતર" આપતી રોકાણ યોજનાઓ સર્ચ કરવાનું ટાળો. આવી વેબસાઈટ ઘણીવાર પોન્ઝી સ્કીમ અથવા ક્રિપ્ટો કૌભાંડ હોઈ શકે છે, જે તમારી મહેનતની કમાણી લૂંટી શકે છે. હંમેશા માન્ય સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી સલાહને જ અનુસરો.
3. નકલી કસ્ટમર કેર નંબર્સ:
કોઈપણ કંપની (બેંક, એરલાઇન કે પેમેન્ટ એપ)નો કસ્ટમર કેર નંબર સીધો ગુગલ પર શોધવાને બદલે તેમની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવવો જોઈએ. સ્કેમર્સ ઘણીવાર નકલી હેલ્પલાઇન નંબરો ગુગલ પર પ્રોમોટ કરે છે, જેના પર કોલ કરવાથી તમે તેમની જાળમાં ફસાઈ શકો છો.
4. આરોગ્ય સંબંધિત ગેરમાન્યતાઓ:
સ્વાસ્થ્યના સામાન્ય લક્ષણો માટે ગુગલ પર સેલ્ફ-ડાયગ્નોસિસ કરવાનું ટાળો. ગુગલ પરની માહિતી ઘણીવાર ભ્રામક હોઈ શકે છે અને તમને બિનજરૂરી ચિંતામાં મૂકી શકે છે. કોઈપણ તબીબી સમસ્યા માટે લાયક ડોક્ટરનો સંપર્ક કરવો જ હિતાવહ છે.
5. મફત સોફ્ટવેર અને માલવેર:
"ફ્રી પ્રીમિયમ સોફ્ટવેર" કે "ક્રેક્ડ વર્ઝન" ડાઉનલોડ કરવાથી તમારા ઉપકરણમાં વાયરસ, માલવેર કે રેન્સમવેર પ્રવેશી શકે છે, જે તમારી અંગત ફાઇલો અને ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. હંમેશા અધિકૃત સ્ટોર્સ કે વેબસાઈટ પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.
6. વ્યક્તિગત ડેટાની ગોપનીયતા:
પોતાનો ફોન નંબર કે ઈમેઈલ આઈડી ગુગલ પર સર્ચ કરીને તપાસો કે તે ક્યાંય સાર્વજનિક તો નથી ને. જો તમારી માહિતી કોઈ અજાણી કે શંકાસ્પદ સાઈટ પર હોય, તો તેને દૂર કરવા માટે જરૂરી પગલાં ભરો.
આ પણ વાંચોઃ Monsoon Tips: ચોમાસામાં ખીલ અને ડેન્ડ્રફથી બચવા ફોલો કરો આ સરળ ટિપ્સ