ભારત હવે વિશ્વના મોટા હથિયાર આયાત કરતા દેશોના લિસ્ટમાંથી બહાર આવીને એક મહત્વપૂર્ણ ડિફેન્સ એક્સપોર્ટર દેશ તરીકે ઉભરી રહ્યો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેના માટે એશિયાથી લઈને ખાડી દેશો સુધી માગ સતત વધી રહી છે.
કયા કયા દેશોને છે મિસાઈલ ખરીદવામાં રસ?
ફિલિપાઈન્સ સાથે ડીલ થયા બાદ અત્યાર સુધીમાં 14થી વધુ દેશોએ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. તેમાં ઈન્ડોનેશિયા, વિયેતનામ, યુએઈ, થાઈલેન્ડ, ચિલી, મલેશિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે રશિયાએ પણ આ મિસાઇલ ખરીદવામાં રસ દાખવ્યો છે, જ્યારે આ પ્રોજેક્ટ ભારત-રશિયા સંયુક્ત વિકાસનો છે.
અવાજની ગતિ કરતાં લગભગ ત્રણ ગણી ઝડપી
બ્રહ્મોસ ભારત અને રશિયાનું સંયુક્ત ડિફેન્સ પ્રોજેક્ટ છે અને તેને વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંથી એક માનવામાં આવે છે. તેની ઝડપ મેક 2.8થી 3 સુધી છે, એટલે કે તે અવાજની ગતિ કરતાં લગભગ ત્રણ ગણી ઝડપી છે. આ ઝડપી ગતિના કારણે દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવું અત્યંત મુશ્કેલ બને છે.
વધતી માગ પાછળ શું છે મોટું કારણ?
આ મિસાઇલ જમીન, દરિયો, સબમરીન અને ફાઈટર વિમાનથી પણ લોન્ચ કરી શકાય છે, જે તેને બહુઉપયોગી બનાવે છે. તેની ચોકસાઈ અને ઝડપી હુમલા કરવાની ક્ષમતા તેને વધુ અસરકારક બનાવે છે. બ્રહ્મોસની વધતી માગ પાછળ સૌથી મોટું કારણ દક્ષિણ ચીન સમુદ્ર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈનિક હાજરી માનવામાં આવે છે. ફિલિપાઈન્સે પ્રથમ વખત 375 મિલિયન ડોલરનો કરાર કરીને આ મિસાઇલ ખરીદી હતી. ત્યારબાદ ઇન્ડોનેશિયા અને વિયેતનામે પણ મોટા કરારો કર્યા છે.
ઇન્ડોનેશિયાએ પણ 2026માં ખરીદીની જાહેરાત કરી
તાજેતરમાં ભારતે વિયેતનામ સાથે લગભગ 620 મિલિયન ડોલરનો વધુ એક કરાર કર્યો છે, જ્યારે ફિલિપાઈન્સને 2024થી ડિલિવરી શરૂ થઈ ગઈ છે. ઇન્ડોનેશિયાએ પણ 2026માં ખરીદીની જાહેરાત કરી છે. આ રીતે બ્રહ્મોસ હવે માત્ર એક મિસાઇલ નથી રહી, પરંતુ ભારતની ડિફેન્સ ટેકનોલોજી, કૂટનીતિ અને વધતી નિકાસ ક્ષમતાનું પ્રતિક બની ગઈ છે. આગામી વર્ષોમાં તે ભારતનો સૌથી મોટો ડિફેન્સ એક્સપોર્ટ બ્રાન્ડ બની શકે છે.
આ પણ વાંચો : Maharashtra Politics : 6 બળવાખોર સાંસદ શિવસેનામાં સામેલ, એકનાથ શિંદેએ કહ્યું 'હવે અમારી પાસે 3 સંજય'