મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT)ને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પાર્ટીના 6 સાંસદોએ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ ઘટનાએ રાજ્યની રાજનીતિક સ્થિતિને વધુ ગરમાવી દીધી છે.
કોણ કોણ થયું સામેલ?
શિંદે જૂથમાં જોડાયેલા સાંસદોમાં સંજય દીના પાટિલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, પાટિલ-અષ્ટિકર અને ઓમપ્રકાશ રાજેનિંબાલકરનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ સાંસદોએ 17 જૂને દિલ્હીમાં યોજાયેલી શિવસેના (UBT)ની પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં ભાગ લીધો નહોતો, ત્યારથી જ તેમના પક્ષ બદલવાના સંકેતો મળવા લાગ્યા હતા.
આ ઘટના 2022ની બળવાખોરીનો બીજા તબક્કો
આ જોડાણની સત્તાવાર જાહેરાત એકનાથ શિંદેએ કરી હતી. તેમણે કહ્યું કે હવે તેમની સાથે ત્રણ સંજય છે અને આ ઘટનાને 2022ની બળવાખોરીના બીજા તબક્કા તરીકે ગણાવી. શિંદેએ દાવો કર્યો કે આ સાંસદો 'અસલી શિવસેના'નો ભાગ બની ગયા છે અને તેમની સાથે હવે છ મજબૂત નેતાઓ જોડાયા છે. એકનાથ શિંદેએ વધુમાં જણાવ્યું કે તેમની સરકાર હંમેશા બાલાસાહેબ ઠાકરેની વિચારધારા અને હિંદુત્વના સિદ્ધાંતોને આગળ ધપાવવા માટે કામ કરતી રહી છે. તેમણે કહ્યું કે વિચારધારા જ તેમની રાજનીતિનું મૂળ છે અને જે લોકો તેને છોડે છે તેઓ મતદારો સાથે અન્યાય કરે છે.
આગામી સમયમાં વધુ રાજકીય ખેંચતાણ થઈ શકે
તેમણે ઉમેર્યું કે શિવસેના હવે વધુ મજબૂત બની રહી છે અને આગામી સમયમાં વિકાસ કાર્યોને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. શિંદેએ એ પણ જણાવ્યું કે જોડાયેલા તમામ સાંસદોના વિસ્તારમાં વિકાસ માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. આ ઘટનાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર શક્તિ સંતુલન બદલાતું જોવા મળી રહ્યું છે, જે આગામી સમયમાં વધુ રાજકીય ખેંચતાણનું કારણ બની શકે છે.
આ પણ વાંચો : Delhi : BRICS દેશોના NSAની બેઠક, વૈશ્વિક પડકારો પર કરાશે ચર્ચા