ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે મોડી રાત્રે ફ્લાયદુબઈ ફ્લાઈટના હીરો ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરે 30 સપ્ટેમ્બરના રોજ કોકપિટની અંદર વિતાવેલી ભયાનક ક્ષણો વિશે જણાવ્યું જ્યારે ઓમાનના તેમના કો-પાયલટે તેમના પર કુહાડીથી હુમલો કરી દીધો હતો. કેપ્ટન સ્મિત મચ્છરે જણાવ્યું કે તેમને પહેલાં એવું લાગ્યું કે વિમાનને કોઈ નુકસાન પહોંચ્યું છે, પરંતુ પછી તેમને સમજાયું કે તેમનો કો-પાયલટે જ તેમના પર હુમલો કરી રહ્યો છે.
નેતન્યાહૂએ કરી કેપ્ટનની બહાદુરીની પ્રશંસા
કેપ્ટન સ્મિત મચ્છર આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને લોહીલુહાણ હતા. તેમ છતાં તેમણે બહાદુરી બતાવીને કોકપિટનો દરવાજો અંદરથી ખોલી નાખ્યો, જેથી મુસાફરોને અંદર આવીને વચ્ચે પડવાની તક મળી ગઈ. નેતન્યાહૂએ સ્મિત મચ્છરની બહાદુરીના વખાણ કરતાં તેમને ભારત, ઈઝરાયલ અને આખી દુનિયાના હીરો ગણાવ્યા. આ સાથે જ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસ સમારોહમાં મશાલ પ્રગટાવવા માટે આમંત્રણ પણ આપ્યું.

કો-પાયલટે નમાઝ પઢવાની ઈચ્છા વ્યક્ત કરી
ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સ્મિત મચ્છર આ સમયે અબુ ધાબીની હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાંથી જ નેતન્યાહૂ સાથે વીડિયો કોલ પર વાત કરતાં તેમણે કોકપિટની ઘટના વિશે જણાવ્યું. મચ્છરેે જણાવ્યું કે આ એક સામાન્ય ફ્લાઈટ હતી અને કો-પાયલટે નમાઝ પઢવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાં ઘણા સ્થાનિક લોકો આવું કરતા હોય છે અને તેમાં કશું અસામાન્ય નહોતું.
માથાના પાછળના ભાગે અચાનક જોરદાર હુમલો
મચ્છરે આગળ જણાવ્યું કે જ્યારે તે નમાઝ પઢી રહ્યો હતો ત્યારે સન્માન ખાતર હું સામે જોઈ રહ્યો હતો, પાછળ નહીં, અને અચાનક લગભગ 4 થી 5 મિનિટ પછી મારા માથાના પાછળના ભાગે જોરદાર ઘા થયો. તેમણે કહ્યું કે મારો પહેલો વિચાર એ જ આવ્યો કે વિમાનમાં કોઈ ખામી સર્જાઈ છે અને કંઈક ગરબડ થઈ છે. પરંતુ તે પછી એક પછી એક ઘા થતા રહ્યા અને મને સમજાયું કે આ વિમાનના કારણે નહીં, પરંતુ કોકપિટમાં મારી સાથે હાજર બીજી વ્યક્તિના કારણે થઈ રહ્યું છે.
ઝડપથી નીચે જઈ રહ્યું હતું વિમાન
મચ્છરે જણાવ્યું કે શરૂઆતના હુમલાને કારણે તેમની આંખો સામે અંધારા આવી ગયા હતા અને બધું ધૂંધળું દેખાતું હતું. તે પછી તેમને સમજાયું કે વિમાન ઝડપથી નીચે જઈ રહ્યું હતું. મચ્છરે કહ્યું કે તે સમયે મને એ જ ખ્યાલ આવ્યો કે પ્લેન ખૂબ ઝડપથી નીચે જઈ રહ્યું છે. મારી યાદશક્તિ અત્યારે પણ સામાન્ય છે. અત્યારે બધું ટુકડાઓમાં યાદ આવી રહ્યું છે, પરંતુ તે સમયની આટલી બાબતો મને બરાબર યાદ છે.

કોકપિટનો દરવાજો ખોલવા માટે ભારે સંઘર્ષ
કેપ્ટન સ્મિતે જણાવ્યું કે એક વાર તેઓ કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ થઈ ગયા હતા, પરંતુ કો-પાયલટે તેને ફરીથી બંધ કરી દીધો. તેમણે કહ્યું કે મને યાદ છે કે હું કોકપિટના ફ્લોર પર પડેલો હતો અને મને વિમાનની હલચલ, તેજ પવનનો અવાજ અને લોકોની ચીસો સંભળાઈ રહી હતી.
છેલ્લી તક સમજીને પૂરી તાકાત લગાવી દીધી
તેમણે કહ્યું કે ત્યારે તેમને લાગ્યું કે વિમાનને ક્રેશ થવાથી બચાવવાની તેમની પાસે આ છેલ્લી તક છે. મચ્છરે કહ્યું કે તેને તમે અંગત કારણ કહો કે લોકો માટે કરેલું કામ, મેં આવું એટલા માટે કર્યું કારણ કે જો હું તેમ ન કરત તો હું મરી જાત અને મેં મારી પૂરી તાકાત લગાવી દીધી. મેં બધું દાવ પર લગાવી દીધું, દરવાજા તરફ આગળ વધ્યો અને તેને ખોલી નાખ્યો.

મુસાફરોની મદદથી વિમાન સુરક્ષિત રહ્યું
મચ્છરે કહ્યું કે જ્યારે દરવાજો ખૂલ્યો ત્યારે બહાર લોકો રાહ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે સારી વાત એ રહી કે લોકો મદદ માટે તૈયાર હતા. તેમણે કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને બાકીનું તો તમે જાણો જ છો. આના એક દિવસ પહેલાં શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિત સાથે વીડિયો કોલ પર વાત કરીને તેમના કામની પ્રશંસા કરી હતી.
ફ્લાયદુબઈની ફ્લાઈટમાં શું થયું હતું?
બુધવાર 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની ફ્લાઈટ 174 મુસાફરોને લઈને દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. આ દરમિયાન વિમાને ઈમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા. ફ્લાઈટ રડારના ડેટા પરથી જાણવા મળે છે કે ફ્લાઈટ 2 મિનિટની અંદર 17000 ફૂટથી વધુ નીચે આવી ગઈ હતી. બાદમાં આ વિમાનને ડાયવર્ટ કરીને સાઉદી અરેબિયાના તબૂકમાં લેન્ડ કરાવવામાં આવ્યું હતું. સાઉદી સત્તાવાળાઓએ વિમાનના કો-પાયલટનેે કસ્ટડીમાં લીધો અને પછી તેને UAE ને સોંપી દીધો હતો. ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી એર એમ્બ્યુલન્સ દ્વારા અબુ ધાબી લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-Smit Machchhar Health : કેપ્ટન સ્મિતની તબિયતમાં સુધારો, UAE ભારતીય દૂતાવાસે આપ્યું હેલ્થ અપડેટ