ભારત અને ઈઝરાયલ સંરક્ષણ સહયોગમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે 17મી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની બેઠક તેલ અવીવમાં યોજાઈ, જ્યાં અનેક મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયના મહાનિર્દેશક મેજર જનરલ (રિઝર્વ) અમીર બારામ દ્વારા કરવામાં આવી હતી.
સંયુક્ત રીતે નવી ડિફેન્સ સિસ્ટમ વિકસાવશે
આ બેઠક દરમિયાન બંને દેશોએ સંરક્ષણ સહયોગ પર એક નવા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા, જે ભવિષ્યમાં સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ કરાર હેઠળ ભારત અને ઈઝરાયલ હવે અદ્યતન ટેકનોલોજી શેર કરશે, સંયુક્ત રીતે નવી ડિફેન્સ સિસ્ટમ વિકસાવશે અને તેનું ઉત્પાદન કરશે અને કૃત્રિમ બુદ્ધિ, સાયબર સુરક્ષા અને સંશોધન અને વિકાસ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. બેઠકમાં બંને પક્ષોએ આજ સુધીના તેમના સહયોગના નોંધપાત્ર ફાયદાઓનો સ્વીકાર કર્યો. આતંકવાદ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો. વિશ્વાસ અને સહિયારા સુરક્ષા હિતો પર આધારિત ભારત અને ઈઝરાયલની સંરક્ષણ ભાગીદારી વધુ ગાઢ બની રહી છે.













