ભારતના અંદામાન દ્વીપ અને જાપાનના ઉત્તર પ્રશાંત ક્ષેત્રમાં રવિવાર, 9 નવેમ્બરનાં રોજ ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા. અંદામાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર અંદામાનમાં ભૂકંપ રવિવારે બપોરે 12:06 વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્ર અંડમાન સમુદ્રમાં હતું. ભૂકંપની ઊંડાઈ 90 કિલોમીટર હતી. બીજી તરફ, જાપાનને લઈને ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 6.8 હતી, જેનું કેન્દ્ર ઉત્તર પ્રશાંત મહાસાગરમાં 39.51° ઉત્તર અક્ષાંશ અને 143.38° પૂર્વ રેખાંશ પર 30 કિમીની ઊંડાઈએ હતું. સમાચાર લખાતાં સુધી કોઈ નુકસાનની માહિતી મળી નથી.


ભૂકંપ બાદ જાપાનમાં સુનામીની ચેતવણી

જાપાનના ઉત્તર પ્રશાંત ક્ષેત્રમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ જાપાનએ રવિવારે ઇવાતે પ્રાંત માટે સુનામી સંબંધિત ચેતવણી જાહેર કરી. જાપાન હવામાન એજન્સી મુજબ, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:03 વાગ્યે ઇવાતેના દરિયાકાંઠાના વિસ્તારમાં આવ્યો. ત્યારબાદ ત્રણ ફૂટ ઊંચી સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી. જાપાન હવામાન એજન્સીના બુલેટિન અનુસાર ચેતવણી આપવામાં આવી છે કે તરંગો કોઈપણ સમયે આવી શકે છે અને નિવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોની નજીક ન જવા વિનંતી કરવામાં આવી છે. નોંધનીય છે કે 2011માં આ જ વિસ્તારમાં 9.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આવેલી સુનામીમાં અંદાજે 18,500 લોકોનાં મૃત્યુ થયા હતાં અથવા તેઓ ગુમ થયા હતાં.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કર્યુ ટ્વીટ

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ) એ તેના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ ભૂકંપની માહિતી આપી અને સંબંધિત આંકડા રજૂ કર્યા. જો કે, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (જી.એફ.ઝેડ.) એ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.07 હતી અને તે 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. હાલ કોઈ નુકસાનની માહિતી મળી નથી.


  • Follow us on: