ભારતે બુધવારે 2026-27 માટે માલદીવમાં ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ અને કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓની નક્કી કરેલા ક્વોટા મુજબ નિકાસને મંજૂરી આપી છે, DGFTએ એક નોટિસમાં જણાવ્યું કે નિકાસ બંને દેશો વચ્ચેના કરાર મુજબ કરવામાં આવશે.
DGFT અનુસાર મુજબ માલદીવને ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ, કઠોળ, પથ્થરના ટુકડા અને નદીની રેતીની આયાત કરવાની પરવાનગી છે. આ વસ્તુઓની નિકાસ કોઈપણ હાલના અથવા આગામી પ્રતિબંધોને આધીન રહેશે નહીં. આમાંની કેટલીક વસ્તુઓ સામાન્ય રીતે પ્રતિબંધો અથવા નિકાસ પ્રતિબંધોને આધીન હોય છે.
એક્સપોર્ટ કેટલું થશે?
નક્કી કરેલા જથ્થામાં ઈંડા (448,913,750), બટાકા (22,589 ટન), ડુંગળી (37,537 ટન), ચોખા (2,30,429 ટન), ઘઉંનો લોટ (1,14,621 ટન), ખાંડ (67, 719 ટન), કઠોળ (350 ટન), પથ્થર (13,00,000 ટન) અને નદીની રેતી (13,00,000 ટન)નો સમાવેશ થશે. રેતી અને પથ્થરની નિકાસ માટે, CAPEXIL ખાતરી કરશે કે સપ્લાયર્સે જરૂરી મંજૂરીઓ મેળવી લીધી છે અને દરિયાકાંઠાના સંરક્ષિત વિસ્તારોમાં રેતી ખોદવામાં ન આવે, જ્યાં ખોદકામ પ્રતિબંધિત છે.
ભારતે ગયા વર્ષે પણ આ ચીજવસ્તુઓની નિકાસ કરી હતી
નિકાસકારોએ સંબંધિત રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી પર્યાવરણીય મંજૂરી પણ મેળવવી પડશે. ભારત અને માલદીવ વચ્ચે 1981થી એક વેપાર કરાર અમલમાં છે, જે આવશ્યક ચીજવસ્તુઓની નિકાસની જોગવાઈ કરે છે. ભારતે ગયા વર્ષે પણ આ ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. ભારત તેની "પડોશી પ્રથમ" નીતિ હેઠળ માલદીવના વિકાસને સમર્થન આપી રહ્યું છે. બાંધકામ ક્ષેત્ર માટે આવશ્યક નદીની રેતી અને પથ્થરની માગને ઓળખીને આ માટે ક્વોટા વધારવામાં આવ્યા છે.
માલદીવમાં કુદરતી રીતે બનતી રેતી પૂરતી નથી, તેથી બાંધકામ હેતુ માટે તેની આયાત કરવી પડે છે. DGFT મુજબ આ નિકાસ ફક્ત 6 કસ્ટમ સ્ટેશનો દ્વારા જ થશે, જેમાં મુન્દ્રા, તુતીકોરીન, ન્હાવા શેવા, ICD તુગલકાબાદ, કંડલા અને વિશાખાપટ્ટનમનું નામ સામેલ છે.
આ પણ વાંચો : Middle East સંકટ પર CCSની બેઠક પૂર્ણ, PM મોદીએ કહ્યું 'જનતા પર ના પડે યુદ્ધની અસર'