અમેરિકા દ્વારા ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને તેના સાથે જોડાયેલા ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ભારે ટેરિફ લગાવ્યા બાદ ભારતે હવે પલટવાર કરવાની તૈયારીઓ શરૂ કરી છે. એક અહેવાલ મુજબ સરકાર કેટલાક અમેરિકી ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યા છે, જેટલું નુકસાન ભારતીય વેપારીઓને થઈ રહ્યું છે. જો આ પગલું લેવામાં આવશે તો આ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસી પર ભારતનો પ્રથમ ઔપચારિક જવાબ હશે.
ક્યારે વિવાદ શરૂ થયો?
આ વિવાદ ફેબ્રુઆરીમાં શરૂ થયો, જ્યારે ટ્રમ્પ સરકારે ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકાનો ટેરિફ લગાવ્યો. ત્યારબાદ તેને વધારીને 50 ટકા કરી દીધો. જેનાથી લગભગ 7.6 અરબ ડોલરના ભારતીય નિકાસ પર અસર પડી. ભારતે WTOમાં દલીલ કરી કે અમેરિકાની આ કાર્યવાહી 'રાષ્ટ્રીય સુરક્ષા'ના નામ પર લગાવવામાં આવેલી સેફગાર્ડ ડ્યુટી છે. જે WTO નિયમોની વિરૂદ્ધ છે. અમેરિકાએ આ મામલે વાતચીત કરવાથી ઈનકાર કરી દીધો, ત્યારબાદ ભારતે WTO નિયમો હેઠળ જવાબી કાર્યવાહીની કાયદાકીય તૈયારીઓ શરૂ કરી દીધી.
કયા ઉત્પાદનો પર લાગી શકે છે ટેરિફ ?
અમેરિકી વસ્તુઓ પર એક સિમિત માત્રામાં ટેરિફ લગાવવામાં આવશે. આ વસ્તુઓની પસંદગી એ પ્રકારે કરવામાં આવશે કે ટેરિફથી થતી આવક અમેરિકા દ્વારા લેવામાં આવેલા પગલા બાદ ભારતીય વેપારીઓને થયેલા નુકસાનના બરાબર હોય. અધિકારીઓનું કહેવું છે કે અમેરિકા એક તરફ દ્વિપક્ષીય વેપાર કરારની વાત કરી રહ્યું છે પણ બીજી તરફ ભારતીય આર્થિક હિતોની વિરૂદ્ધ પગલા ભરી રહ્યું છે.
કરોડો ડોલરનો વેપાર દાવ પર!
ભારતને અમેરિકા દર વર્ષે 45 અરબ ડોલરથી વધારેનો સામાન વેચાણ કરે છે, જ્યારે ભારતમાંથી અમેરિકામાં 86 અરબ ડોલરનો સામાન નિકાસ કરવામાં આવતો હતો. ટેરિફ યુદ્ધ વધ્યા બાદ નુકસાન વધી શકે છે અને દ્વિપક્ષીય આર્થિક સંબંધો પર અસર પડી શકે છે. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેપારને 500 અરબ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું હતું પણ કૃષિ અને સંવેદનશીલ વિસ્તારોમાં અમેરિકી માગને ભારતે ફગાવી દીધી, જેના કારણે વાત અટકી પડી છે.