ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓને આજે અંતિમ સ્વરૂપ મળ્યું છે. બંને દેશોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરી છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનએ આને “એક પેઢીમાં એક વાર થતો” મહત્વપૂર્ણ કરાર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ કરારથી માલ, સેવાઓ, રોકાણ અને શ્રમ ક્ષેત્રોમાં નવા અવસરો ઉભા થશે.
https://twitter.com/ANI/status/2048708812199363019
આ ડીલ માટે ચર્ચા 2010માં શરૂ થઈ હતી
વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટોડ મેક્લેની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ ડીલ માટે ચર્ચા 2010માં શરૂ થઈ હતી, પરંતુ 2015માં નવ રાઉન્ડ બાદ અટકી ગઈ હતી. ત્યારબાદ માર્ચ 2025માં ફરી શરૂ થઈ અને ગયા ડિસેમ્બર સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું, જેના કારણે આ ભારતની સૌથી ઝડપી FTA ડીલોમાંની એક બની છે. પીયુષ ગોયલે જણાવ્યું કે ભારત હવે વૈશ્વિક સ્તરે વધુ આત્મવિશ્વાસ સાથે દેશો સાથે સંબંધો મજબૂત બનાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારત-ન્યૂઝીલેન્ડ FTA માત્ર ટેરિફ ઘટાડા વિશે નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે પણ મહત્વપૂર્ણ છે.
10% સુધીના શુલ્ક જેવી અડચણો દૂર થશે
આ કરાર ભારત માટે પ્રશાંત અને ઓશિનિયા વિસ્તારમાં પ્રવેશદ્વાર સમાન છે. ન્યૂઝીલેન્ડ નાનું પરંતુ ઉચ્ચ આવક ધરાવતું બજાર છે, જે ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. આ કરાર નરેન્દ્ર મોદીના વૈશ્વિક આર્થિક ભાગીદારીના વિઝનને પણ આગળ વધારે છે, જેમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને રોજગાર સર્જન પર ભાર મૂકાયો છે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડે તમામ ભારતીય ઉત્પાદનો પર લાગતા ટેરિફ તાત્કાલિક હટાવવાનો વાયદો કર્યો છે, જેના કારણે 10% સુધીના શુલ્ક જેવી અડચણો દૂર થશે. સાથે જ ન્યૂઝીલેન્ડે ભારતમાં 20 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવિનીકરણીય ઊર્જા, ડિજિટલ સેવાઓ અને ઈનોવેશન ક્ષેત્રોને પ્રોત્સાહન આપશે.
જો કે, ભારતે કેટલાક સંવેદનશીલ ક્ષેત્રોમાં છૂટછાટ આપી નથી. લગભગ 30% ટેરિફ લાઈનોને કરારથી બહાર રાખવામાં આવી છે, ખાસ કરીને ડેરી અને કૃષિ ક્ષેત્રોમાં. આ રોકાણથી આગામી 15 વર્ષમાં કૃષિથી ટેક્નોલોજી સુધીના ક્ષેત્રોમાં વિકાસ થવાની શક્યતા છે. ખાસ કરીને ટેક્સટાઈલ, ફૂટવેર અને જેમ્સ-જ્વેલરી જેવા ક્ષેત્રોમાં નિકાસમાં વધારો થશે અને રોજગારની તકો ઊભી થશે.
આ પણ વાંચો : ઓ બાપ રે! આ બેંકમાં તો 800 કરોડ ફસાયા, 400 કરોડ રૂપિયા તો બિનવારસી હાલતમાં!