બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાયેલી પેલેસ્ટાઈન ડોનર ગ્રુપ (PDG)ની બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભારતે પેલેસ્ટાઈન પ્રત્યેના પોતાના લાંબા ગાળાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતે ફરી એકવાર ટૂ-સ્ટેટ સોલ્યુશન અને સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના પૂર્ણ સભ્યપદને સમર્થન આપવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુરોપિયન કમિશન અને પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રાલયના સચિવ (CPV અને OIA) શ્રીપ્રિયા રંગનાથને કર્યું હતું.

ભારત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે

બેઠકને સંબોધતા શ્રીપ્રિયા રંગનાથને જણાવ્યું કે ભારત વર્ષોથી પેલેસ્ટાઈન પ્રજાનો વિશ્વસનીય વિકાસ ભાગીદાર રહ્યું છે. ભારતની સહાય માગ આધારિત છે અને ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં પેલેસ્ટાઈનમાં આરોગ્ય સેવાઓ, મહિલા સશક્તિકરણ અને સંસ્થાકીય ક્ષમતા વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે. ઉપરાંત પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ સંબંધિત નવી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે.

વિશ્વસનીય ભાગીદાર

બ્રસેલ્સ પ્રવાસ દરમિયાન શ્રીપ્રિયા રંગનાથને સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સી (UNRWA)ની સલાહકાર સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પેલેસ્ટાઈનમાં માનવતાવાદી કામગીરી માટે ભારતના સતત સહયોગની ખાતરી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત ભવિષ્યમાં પણ પેલેસ્ટાઈનની જનતાની માનવીય જરૂરિયાતો પૂરી કરવા માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે કાર્ય કરતું રહેશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે ટૂ-સ્ટેટ સોલ્યુશનનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારત-ઈન્ડોનેશિયા સહયોગ વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી.

આ પણ વાંચો : Lashkar-E-Taiba નું ભારત વિરુદ્ધ ષડયંત્ર, મંગલા ડેમમાં આતંકીઓને આપી રહ્યાં છે ટ્રિનિંગ