સિંધુ જળ સંધિને (Indus Waters Treaty) લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવની વચ્ચે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) એ ભારત વિરુદ્ધ એક ખતરનાક કાવતરું ઘડવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર, લશ્કરે હવે પરંપરાગત જમીની માર્ગો ઉપરાંત પાણીના રસ્તે ઘૂસણખોરી અને હુમલા કરવાની નવી વ્યૂહરચના અપનાવી છે. આ હેતુ માટે પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK) માં આવેલા મંગલા ડેમ વિસ્તારમાં આતંકીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

10 દિવસનો કોર્સ પૂરો, મંગલા ડેમમાં કમાન્ડો ટ્રેનિંગ શરૂ

ખુફિયા એજન્સીઓને મળેલા અહેવાલો મુજબ, લશ્કરના વરિષ્ઠ કમાન્ડર હારિસ દારે એક ટ્રેનિંગ કેમ્પમાં આતંકીઓને સંબોધિત કરતા આ જળમાર્ગ ઓપરેશનનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે આતંકીઓનો 10 દિવસનો પ્રારંભિક કોર્સ પૂરો થઈ ગયો છે અને હવે મંગલા ડેમમાં આગળની એડવાન્સ વોટર-ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. હારિસ દારે આતંકીઓને ઉશ્કેરતા કહ્યું હતું કે, "હવે અસલી કામ શરૂ થશે, અમે પાણીને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે અને પાણી અંગે આપણો મુખ્ય મુદ્દો ભારત સાથે જ છે." તેણે દાવો પણ કર્યો હતો કે વર્ષ 2026માં પાકિસ્તાન પાણીના મુદ્દે ભારત સામે કોઈ મોટું પગલું ભરી શકે છે.

મુંબઈ 26/11 હુમલા સાથે કનેક્શન 

સુરક્ષા એજન્સીઓ આ ગુપ્તચર ઇનપુટ્સને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે, કારણ કે આ પહેલાં પણ મુંબઈમાં થયેલા 26/11 ના આતંકી હુમલાના કસાબ સહિતના આતંકીઓને પણ આ જ મંગલા ડેમ વિસ્તારમાં જળમાર્ગના ઓપરેશનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સિવાય, પહલગામ આતંકી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ સૈફુલ્લા ખાલિદ કસૂરીને પણ તાજેતરમાં આ જ ટ્રેનિંગ હબની આસપાસ જોવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે લશ્કર પોતાનું જૂનું નેટવર્ક ફરી સક્રિય કરી રહ્યું છે.

ભારતની તમામ સરહદી સુરક્ષા એજન્સીઓ, કોસ્ટ ગાર્ડ અને ગુપ્તચર વિભાગ હવે સીમા પારના આતંકી કેમ્પ, જળમાર્ગો અને શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યા છે. ખાસ કરીને સિંધુ જળ સંધિના વિવાદ બાદ સરહદી નદીઓ અને ડેમની આસપાસ સુરક્ષા અભેદ્ય કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Red Sea Crisis: હૂતીના નિશાના પર સાઉદી, 4 વર્ષની શાંતિનો અંત, તેલથી લઈને દુનિયાની અર્થવ્યવસ્થા પર ખતરો