યમનના ઇરાન સમર્થિત હૂતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં મોટો વળાંક આવ્યો છે. બંને પક્ષો વચ્ચેનો યુદ્ધવિરામ (Ceasefire) સત્તાવાર રીતે સમાપ્ત થતાં પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ ઘટનાક્રમની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ગ્લોબલ સપ્લાય ચેઈન પર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વૈશ્વિક અર્થતંત્ર ભારે દબાણ હેઠળ આવી ગયું છે.

લાલ સમુદ્ર અને બાબ અલ-મંડેબ પર મોટું જોખમ

હૂતી બળવાખોરો દ્વારા લાલ સમુદ્ર (Red Sea) માંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર ફરીથી હુમલા તેજ થવાની ભીતિ છે. લાલ સમુદ્ર અને બાબ અલ-મંડેબની સામુદ્રધુની એ વૈશ્વિક વેપાર માટે જીવનરેખા સમાન છે. વૈશ્વિક વેપારના આશરે 10 ટકા અને વૈશ્વિક તેલ પરિવહનનો 12 ટકા હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. જો અહીં હૂતી સેના દ્વારા નૌકાપરિવહન અવરોધવામાં આવશે, તો જહાજોને આફ્રિકાના 'કેપ ઓફ ગુડ હોપ' ફરીને લાંબો માર્ગ લેવો પડશે, જેનાથી Shipping Costsમાં તોતિંગ વધારો થશે.

કાચા તેલના ભાવ ભડકે બળશે

સાઉદી અરેબિયા વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશોમાંનો એક છે. અગાઉ હૂતી બળવાખોરોએ સાઉદીના અરામકો જેવા તેલ રિફાઇનરી પ્લાન્ટ્સ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. હવે યુદ્ધવિરામ સમાપ્ત થતાં તેલ ક્ષેત્રો પર હુમલાનું જોખમ વધી ગયું છે. જો સાઉદી અરેબિયાની ઓઇલ સપ્લાય અટકશે, તો બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ આસમાને પહોંચી શકે છે. તેલની મોંઘવારી વધતાં ભારત સહિત વિશ્વના તમામ વિકાસશીલ દેશોમાં ફુગાવો (Inflation) વધશે અને મોંઘવારી બેકાબૂ બનશે.

બગડતી વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે નવું સંકટ

વૈશ્વિક બજારો અગાઉથી જ મધ્ય-પૂર્વની તંગદિલીને કારણે દબાણમાં છે, ત્યારે આ નવા સંઘર્ષે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો હૂતી બળવાખોરો પર જવાબી કાર્યવાહી કરી શકે છે, જેનાથી સમગ્ર પ્રદેશમાં મોટું પ્રાદેશિક યુદ્ધ શરૂ થવાનો ખતરો છે. નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં આ તણાવ ઘટશે નહીં, તો ગ્લોબલ સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જશે અને દુનિયા આર્થિક મંદી તરફ ધકેલાઈ શકે છે.

આ પણ વાંચો: Pakistan Cricket શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ ભારત આવતી વખતે ડ્રગ્સ લાવતા હોવાનો આરોપ